યુવકે ગૂગલને હેક કરી બતાવ્યું, કંપનીએ 3.3 કરોડના પેકેજની આપી ઓફર !?

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-02-2022

સોશ્યલ મીડિયા પર એક સમાચાર જોરદાર રીતે વાયરલ થઈ રહ્યા છે જેમાં દાવો કરાઈ રહ્યો છે કે બિહારના વિદ્યાર્થીએ ગૂગલને હેક કરી લેતાં ગૂગલે તેને નોકરીની ઓફર આપી છે. જ્યારે બિહારના યુવકે ગૂગલને હેક કરી બતાવ્યું તો કંપનીએ તેને કરોડો રૂપિયાની નોકરીની ઑફર આપી હતી. સોશ્યલ મીડિયા પર આ સમાચાર વાયરલ થઈ રહ્યા છે ત્યારે તે સાચા છે કે ખોટા તેની ખરાઈ થવી પણ જરૂરી બની જાય છે.

સોશ્યલ મીડિયા પર સમાચાર શેયર કરવામાં આવ્યા છે જેમાં કહેવાઈ રહ્યું છે કે બિહારમાં રહેતા ઋતુરાજ ચૌધરીએ ગૂગલને હેક કરી લેતાં કંપનીએ તેના ટેલેન્ટને ધ્યાનમાં રાખી 3.66 કરોડ રૂપિયાની નોકરીનો પ્રસ્તાવ આપ્યો છે પરંતુ જ્યારે આ મામલે ખરાઈ કરવામાં આવી તો વાત કંઈક ઔર જ નીકળી હોય તેવી રીતે ન તો ગૂગલ હેક કરાયું છે કે ન તો ગૂગલ તરફથી ઋતુરાજને કરોડો રૂપિયાના પગારની ઑફર થઈ છે. જો કે વિદ્યાર્થીને રિસર્ચ કરવા માટે કંપની તરફથી પ્રસ્તાવ જરૂર અપાયો છે.

ઋતુરાજ ચૌધરી જે બિહારના બેગુસરાય જિલ્લામાં રહે છે તેણે ગૂગલને હેક નથી કર્યું પરંતુ તેણે ગૂગલના સર્ચ એન્જીનમાં એક બગ હોવાની જાણકારી આપી છે જે કંપનીને પોતાની સિક્યોરિટીને વધુ મજબૂત કરવા માટે મદદ કરી શકે છે. ઋતુરાજે આ બગને ગૂગલના સર્ચ એન્જીનમાં શોધી કાઢ્યો છે. આ જાણકારીની મદદથી ગૂગલ પોતાની સિક્યોરિટીને મજબૂત કરી શકે છે જેનાથી તેની મહત્ત્વની જાણકારી કોમ્પ્યુટરથી લીક ન થઈ શકે અને કોઈ મોટું નુકસાન ન જાય.

ગૂગલના સર્ચ એન્જીમાં બગ શોધ્યા બાદ તેની જાણકારી કંપનીને આપી હતી. ગૂગલે પણ આ વાતનો સ્વીકાર કર્યો છે કે સર્ચ એન્જીનમાં બગ હતું જેની મદદથી હેકર્સ કોમ્પ્યુટરને હેક કરી શકતો હતો. ઋતુરાજની આ ક્ષમતાને જાણ્યા બાદ કંપનીએ હૉલ ઑફ ફેમ ઍવોર્ડથી નવાજવાનો નિર્ણય લીધો છે અને ઋતુરાજનું નામ રિસર્ચરની યાદીમાં સામેલ કર્યું છે. જો કે ઋતુરાજનું રિસર્ચ અત્યારે પી-2 લેવલ પર છે અને જેવું તે પી-0 ઉપર પહોંચશે કે ગૂગલ તેને ઈનામ આપશે. ઋતુરાજ આઈઆઈટી-મણિપુરમાં બી.ટેક સેક્ધડ યરનો વિદ્યાર્થી છે.