ગુજરાતમાં કોરોના સંક્રમણ ઘટતા સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન, પ્રતિબંધો હળવા કર્યા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-02-2022

આજે રાજ્ય માટે કોરોનાના નવા નિયંત્રણોની જાહેરાત થઈ ચૂકી છે. ગુજરાતમાં કોરોનાના હાલના નિયંત્રણોની સમયમર્યાદા આજે પૂર્ણ થઈ રહી છે. ત્યારે આજે સરકાર નિયંત્રણો જાહેર કર્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સ્થિતિની સમીક્ષા હાથ ધરીને કેટલાક નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય અનુસાર હવે 11 ફેબ્રુઆરીથી રાજ્યના માત્ર 8 મહાનગરોમાં આગામી 18 ફેબ્રુઆરી 2022 સુધી દરરોજ રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ અમલમાં રહેશે. તમને જણાવી દઈએ કે હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કર્ફયૂ અમલમાં છે. લગ્ન પ્રસંગમાં 300 લોકોને મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં હજુ કયાં ક્ષેત્રોમાં કેવા છે પ્રતિબંધ અને કેવી છે છૂટછાટ?

રાજકીય,ધાર્મિક સહિતના કાર્યક્રમમાં 150 વ્યક્તિઓની છૂટ

ખુલ્લામાં મહત્તમ 150,બંધ સ્થળોના 50 ટકા ક્ષમતામાં છૂટ

ખુલ્લામાં લગ્નમાં 300 લોકોની છૂટ

બંધ સ્થળોએ લગ્નમાં જગ્યાની 50 ટકા ક્ષમતામાં છૂટ

અંતિમવિધિમાં મહત્તમ 100 લોકોને મંજૂરી અપાઈ

સિનેમા,લાઈબ્રેરી, ઓડિટોરિયમમાં બેઠક ક્ષમતાના 50 ટકાની છૂટ

જીમ,વોટર પાર્ક,સ્વિમીંગ પુલમાં ક્ષમતાના 50 ટકાની છૂટ

જાહેર બાગ બગીચા રાત્રે 11 સુધી ખુલ્લા રહેશે

કોચિંગ સેન્ટર, ટ્યૂશનમાં 50 ટકા ક્ષમતાની છૂટ

મહાનગરો સિવાયના શહેરોને નાઇટ કર્ફ્યૂમાંથી મુક્તિ આપવામાં આવી છે. સિનેમા હોલ, જીમ, વોટર પાર્ક 50 ટકા ક્ષમતા સાથે ખુલ્લા રાખી શકાશે. ધોરણ 9 થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના કોચિંગ ક્લાસ 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. રાજ્યમાં દુકાનો, કોમર્શિયલ સંસ્થાઓ, લારી-ગલ્લા, શોપિંગ કૉમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ,  સ્પા-સલૂન, બ્યૂટીપાર્લર તથા અને વ્યાપારિક ગતિવિધિઓ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. હોટલ-રેસ્ટોરન્ટ્સ બેઠક ક્ષમતાના 75% સાથે 11 વાગ્યા ખુલ્લી રાખી શકાશે. હોટલ-રેસ્ટોરન્ટ હોમ ડિલિવરી સેવાઓ 24 કલાક ચાલુ રાખી શકાશે.

નોંધનીય છે કે, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ મુખ્ય સચિવ પંકજ કુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો આ બેઠકમાં સહભાગી થયા હતા.