મોરબી તાલુકાના ભડિયાદ ગામના નજરબાગથી ફિલ્ટર હાઉસ રોડનું ખાતમૂહુર્ત બ્રિજેશભાઇ મેરજાના હસ્તે કરવામાં આવ્યું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-02-2022

મોરબી તાલુકાના ભડિયાદ ગામના નજરબાગથી ફિલ્ટર હાઉસ રોડનું ખાતમૂહુર્ત ગુરુવારે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે યોજાયેલ સમારંભમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં વિકાસની ગતિ વણથંભી રાખવા માટે સતત ચિંતા કરવામાં આવી રહી છે. વધુમાં મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે અહીં મંત્રી તરીકે નહીં પરંતુ લોક સેવક તરીકે સૌની વચ્ચે રહીને વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત થઇ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના છેવાડાના માનવીના કલ્યાણની કલ્પનાને સાકાર કરવા સૌ સક્રિય હોવાનું પણ વધુમાં ઉમેર્યું હતું.

કાર્યક્રમના પ્રારંભે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હિરાભાઇ ટમારીયાએ સ્વાગત પ્રવચન કરી સૌ આગેવાનોને આવકાર્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયાએ પ્રાસંગિક પ્રવચનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની આગેવાની હેઠળની રાજ્ય સરકાર લોકોની સુખાકારી માટે સતત પ્રયાસરત હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, મોરબી તાલુકાના ભડિયાદ ગામના નજરબાગથી ફિલ્ટર હાઉસ રોડ ૧.૨ કિ.મી. લંબાઇ અને ૫.૫૦ મીટર પહોળાઇનો સી.સી. રોડ રૂપિયા ૯૩.૧૩ લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામશે.

        કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, કાર્યપાલક ઈજનેર એ.એન. ચૌધરી, આગેવાનો અજયભાઇ લોરીયા, પ્રવિણભાઇ સોનગ્રા, હંસાબેન પારધી, ગોરધનભાઇ સોલંકી, જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, અરવિંદભાઇ વાંસદડીયા, કાનજીભાઇ ચાવડા, સુરેશભાઇ શિરોહીયા, ગૌતમભાઇ સોલંકી, સરપંચ મંજુલાબેન ચૌહાણ, ઉપસરપંચ જયંતિભાઇ અઘારા સહિત સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન બળવંતભાઇ સનાળીયા દ્વારા કરવામાં આવ્યું હતું.