ઈલેકટ્રીક વાહનોને ‘ટોપ ગિયર’માં મુકાશે: 30 ટકા સસ્તા કરવા તૈયારી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-02-2022

બેટરી સિવાય કારની કિંમત નકકી થશે, તેને સંલગ્ન સેવાઓ પર જીએસટી 18 ટકાથી ઘટાડીને 5 લાખ કરાશે: ટેકસ લાભ ઉપરાંત અન્ય છૂટછાટોની વિચારણા

પ્રદૂષણ રોકવાના ઉદ્દેશ સાથે નવી ટેકનોરોજી સાથેના ઈલેકટ્રીક વાહનોનો યુગ શરૂ થઈ ગયો છે. જ્યારે આ વાહનો સસ્તા કરવા માટે સરકારે વિવિધ વિકલ્પોની વિચારણા શરૂ કરી છે અને તે અંતર્ગત આવતા થોડા વખતમાં ઈલેકટ્રીક વાહનો 30 ટકા સસ્તા થઈ શકશે. સામાન્ય બજેટમાં બેટરીની અદલાબદલીનું એલાન કરવામાં આવ્યા બાદ હવે ટેકસમાં રાહત સહિતની અનેકવિધ છૂટછાટો આપવાની તૈયારી છે.

કેન્દ્ર સરકારના ટોચના સૂત્રોએ એમ કહ્યું કે ઈલેકટ્રીક કાર કે વાહનોને પ્રોત્સાહન આપવાના ટાર્ગેટમાં બેટરીની કિંમત સૌથી મોટી અવરોધ છે. વાહનની કુલ કિંમતમાંથી બેટરી ખર્ચ જ 30થી 40 ટકા થવા જાય છે. બેટરી સ્વૈપીંગ (અદલાબદલી) વ્યવસ્થાથી તેની કિંમત ઓછી થશે અર્થાત ગાડી-વાહન લેતી વખતે માત્ર કારની કિંમત જ ચૂકવવાની થશે ત્યારબાદ વાહનમાલિક બેટરી ભાડે લઈ શકશે. બેટરીનું ભાડું તેના આકાર અને ક્ષમતા મુજબ હશે.

બેટરીના ભાડા સહિતની બાબતો પર સરકાર એપ્રિલથી પરામર્શ કરીને નીતિ-ગાઈડલાઈન નકકી કરી શકે છે. સૂત્રોના કહેવા પ્રમાણે ભાડામાં બેટરીની આંશિક કિંમત ચૂકવણીનો વિકલ્પ પણ આપવામાં આવશે. બેટરીનું ચાજિર્ંગ ખત્મ થવા સાથે વાહનમાલિક કંપનીની સ્ટોર પર જઈને બદલી શકશે એટલે ચાર્જિંગના સમય તથા અન્ય પળોજણ-ખર્ચમાંથી રાહત મળશે. અત્યારના તબકકે આ તમામ કામગીરી-સેવાઓ પર 18 ટકા જીએસટી લાગે છે તે પણ ઘટાડીને 5 ટકા કરવામાં આવશે. જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં પણ દરખાસ્ત પેશ થશે અને બહાલી આપવામાં આવશે.

ઈલેકટ્રીક વાહન અંગે સરકારે ઘણો મોટો ટાર્ગેટ રાખ્યો છે. 2030 સુધીમાં 30 ટકા ખાનગી કાર, 70 ટકા વ્યાપારિક વાહનો તથા 40 ટકા ઈલેકટ્રીક બસોને ઈલેકટ્રીક મોડમાં આવરી લેવાનો લક્ષ્યાંક છે. બેટરીને લાગેવળગે છે ત્યાં સુધી લિથિયમ બેટરીની જરૂરિયાતના 81 ટકાનું ઉત્પાદન ભારતમાં થાય છે પરંતુ ઉંચી કિંમત ઘટાડવા તથા બેટરી સસ્તી થાય તે માટે અનેક સંસ્થાનો રિસર્ચ કરી રહ્યા છે.

પરિવહનમંત્રી નીતિન ગડકરીએ પણ એવો નિર્દેશ કર્યો હતો કે પેટ્રોલના વાહનો પર 48 ટકા જીએસટી સામે ઈલેકટ્રીક વાહનમાં 5 ટકા લાગશે. દિલ્હી-પુનાને ઈલેકટ્રીક વાહન સ્પેશિયલ મોબિલિટી ઝોન પણ બનાવવાની તૈયારી કરવામાં આવી છે જ્યાં માત્ર ઈલેકટ્રીક વાહનોનું રજિસ્ટ્રેશન થશે. દેશમાં અત્યારે 10 લાખ ઈલેકટ્રીક વાહનો છે તેમાં સૌથી વધુ 2.50 લાખ ઉત્તરપ્રદેશમાં, 1.26 લાખ દિલ્હીમાં તથા 58000 વાહન બિહારમાં છે.

વિમાની ઈંધણને જીએસટી હેઠળ લવાશે

દેશમાં પેટ્રોલીયમ પેદાશોને જીએસટી હેઠળ લાવવા મુદે રાજયોમાં જબરા મતભેદ છે અને કોઈ રાજય પેટ્રો. પેદાશો પરની તગડી આવક ગુમાવવા માંગતા નથી અને તેથી હવે કેન્દ્ર સરકારે હવાઈ મુસાફરો તથા એરલાઈનને રાહત આપવા માટે વિમાની ઈંધણ (એટીએફ)ને જીએસટીમાં લાવવા તૈયારી શરુ કરી છે. આ ઈંધણના ભાવ પણ અલગ-અલગ રાજજયોના વિમાની મથકો જયાં ફયુલ સુવિધા છે ત્યાં અલગ અલગ છે.

જો કે એરલાઈનને આકર્ષવા માટે વિમાની ઈંધણ પરનો ટેક્ષ ઘટાડી રહી છે પણ સરકાર વિમાની પ્રવાસ ને વેગ આપવા તથા કંપનીઓ લાંબાગાળાના આયોજન કરી શકે તે હેતુથી દરેક રાજયમાં વિમાની ઈંધણ પરનો ટેક્ષ એક સમાન હોય તે ઈચ્છે છે. હાલ મોટાભાગના રાજયમાં વિમાની ઈંધણ પર 30%નો વેરો છે. જયારે જીએસટીનો સૌથી વધુ દર 28% છે પણ સૂત્રોના જણાવ્યા મુજબ આ દર 18% આસપાસ હોઈ શકે છે.