મોરબીનો પીપળી રોડ 118 કરોડના ખર્ચે ચારમાર્ગીય બનાવવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા મંત્રીની તાકિદ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.27-01-2022

રાજયના પંચાયત વિભાગના મંત્રી અને મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ માર્ગ અને મકાન વિભાગના સંબંધિત અધિકારીઓ સાથે મોરબી-માળિયા વિસ્તારના બિસ્માર રસ્તાનું કામ તાત્કાલિક ચાલુ થાય તેમજ અનેકવિધ નવા વિકાસ કામો માટે રાજકોટના સરકીટ હાઉસ ખાતે તાકિદની સમિક્ષા બેઠક યોજી હતી પીપળી રોડ 118.09 કરોડના ખર્ચે ચારમાર્ગીય બનાવવાની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા મંત્રીએ અધિકારીઓને તાકિદ કરેલ છે.

બ્રિજેશભાઇ મેરજાએ અધિકારીઓને મોરબીના પીપળીથી અણીયારી સુધીના રોડનું સત્વરે સમાર કામ શરૂ માટે કહ્યું હતું અને 118.09 કરોડના ખર્ચે ચારમાર્ગીય રસ્તો બનાવવા માટેની ટેન્ડર પ્રક્રિયા સત્વરે હાથ ધરવાની તાકિદ પણ મંત્રીએ અધિકારીઓને કરી હતી આ ઉપરાંત પ્રજાની આકાંક્ષા મુજબ ટેન્ડર પ્રક્રિયા હેઠળ કેટલાક કામો તાકિદે લેવામાં આવ્યા છે.

જેમાં મોરબીના નટરાજ ફાટક ઉપર 80 કરોડના ખર્ચે ઓવર બ્રીજ તેમજ મહેન્દ્રનગર ચોકડી પાસે ફલાયઓવરનું કામ પણ 80 કરોડના ખર્ચે કરાશે. જે માટેની ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ થઇ ગઇ હોવાનું મંત્રીએ જણાવ્યુ હતું. આ ઉપરાંત 25 કરોડના ખર્ચે સ્ટાફ કવાટર્સ પણ બનાવાશે. તેમજ મોરબીને જનતાને નવી કોર્ટ પણ 40 કરોડના ખર્ચે મળી રહે તે માટે વિભાગમાંથી વિવિધ મંજૂરીઓ અને વિવિધ વિભાગમાંથી ફોલોઅપ પણ મેળવવામાં આવી રહયુ છે.