Tata Play: ટાટા સ્કાયએ બદલ્યું નામ, હવે ટીવીની સાથે OTTના ફાયદા પણ મળશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.27-01-2022

ટાટા સ્કાયે (Tata Sky) પોતાની બ્રાંડને રિલૉન્ચ કરી છે. હવેથી ટાટા સ્કાય ટાટા પ્લે (Tata Play)ના નામે ઓળખાશે. આ ફેરફાર સાથે ટાટા પ્લેના પેકેઝમાં સબ્સક્રાઇબર્સને ટીવી કમ ઓટીટીના ફાયદા મળશે. હકીકતમાં ટાટા પ્લેના માધ્યમથી હવે કંપની 13 OTT સર્વિસ ઉમેરવા માંગે છે. જેમાં નેટફ્લિક્સ (Netflix), અમેઝોન પ્રાઇમ વીડિયો (Amazon prime video), અને ડિઝની+હોટસ્ટાર (Disney+Hotstar) સામેલ છે. કંપનીએ આ માટે 399 રૂપિયાનું કોમ્બો પેક લોંચ કર્યું છે. ગ્રાહકો 27મી જાન્યુઆરીથી આ પેકને ટાટા પ્લેના એકાઉન્ટ પર એડ કરી શકે છે.

ટાટા સ્કાયની શરૂઆત 2004ના વર્ષમાં થઈ હતી. ટાટા સ્કાયની સ્થાપના ટાટા સન્સ (Tata sons) અને મીડિયા મુગલ રૂપર્ટ મર્ડોકની કંપનીએ કરી હતી. ટાટા સન્સ અને 21st સેન્ચુરી ફોક્સ (રૂપર્ટ મર્ડોકની કંપની) વચ્ચે આ માટે 80:20 ટકા ભાગીદારી હતી. બાદમાં રૂપર્ટ મર્ડોકે ફૉક્સના મનોરંજન બિઝનેસને વૉલ્ટ ડિઝની કંપનીને વેચી દીધો હતો. આ ડીલ બાદ ટાટા સ્કાયની ભાગીદારી વૉલ્ટ ડિઝનીને ટ્રાન્સફર થઈ ગઈ હતી.

કેટલા ગ્રાહકો

2004માં શરૂ થઈ હોવાથી ટાટા સ્કાયને DTH સેવામાં 18 વર્ષ પૂરા થઈ ગયાનું કહી શકાય. કંપની દેશના 200થી વધારે શહેરમાં પોતાની સેવા આપે છે. કંપની પાસે 1.9 કરોડથી વધારે ગ્રાહકો છે. આ લોકો DTH અને fiber to home broadband સેવા સાથે ટાટા સ્કાય સાથે જોડાયેલા છે.

ટાટા તરફથી કહેવામાં આવ્યું છે કે, અમે અનુભવ્યું છે કે અનેક લોકો ટેલીવિઝન જોઈ રહ્યા છે. સાથે જ OTT કન્ટેન્ટ પણ જોઈ રહ્યા છે. આ માટે તેઓ અલગ અલગ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. અમે આ વાતને ધ્યાનમાં રાખીને અમારી નવી સેવા શરૂ કરી રહ્યા છીએ. અમારી નવી સેવા ફક્ત ડીટીએચ નહીં રહે પરંતુ તેમાં ઓટીટી કન્ટેન્ટ પણ સામેલ હશે.

ટાટા પ્લે ચાર્જ

27 જાન્યુઆરીથી એટલે કે આજથી ટાટા સ્કાયનું નામ બદલીને ટાટા પ્લે થઈ જશે. આ સાથે જ 175 રૂપિયાનો સર્વિસ વિજિટ ચાર્જ ખતમ થઈ જશે. જે લોકોએ લાંબા સમયથી DTH કનેક્શન રિચાર્જ નથી કરાવ્યું તેઓ મફતમાં રિકનેક્શન કરવી શકે છે. કંપનીએ ટાટા પ્લેના પ્રચાર માટે કરીના કપૂર, સૈફ અલી ખાન જેવા બોલિવૂડ કલાકારો સાથે કરાર કર્યો છે. ટાટા પ્લા પ્લાનની કિંમત સ્ક્રિનની સંખ્યા, ડીટીએચ કનેક્શન માટે લેવામાં આવેલા પેક પ્રમાણે અલગ અલગ હશે.