સ્કૂલો ફરીથી ઓનલાઈન કરો, સામાજિક અને રાજકીય-ધાર્મિક મેળાવડા બંધ કરો, રેસ્ટોરાં-થિયેટરોમાં 50% કેપેસિટી કરી નાંખો : IMA

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-01-2022

રાજ્યમાં કોરોનાના દરરોજ 1200થી વધુ કેસો નોંધાઈ રહ્યાં છે. જેથી સ્કૂલોમાં અનેક વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થઈ રહ્યાં છે. જેને પગલે ગુજરાતની ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની બ્રાન્ચે રાજ્ય સરકારને ચેતવણીની ભાષામાં કેટલાક સૂચનો કર્યાં છે. જેમાં રાજ્યમાં ચાલતા જાહેર મેળાવડા, રાજકીય, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો પર નિયંત્રણો લાવવાની મહત્વપૂર્ણ ભલામણ કરી છે.

શૈક્ષણિક કાર્ય ઓનલાઇન કરો

તેની સાથે સાથે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને જનતાને પણ અપીલ કરતા કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા માટે વિનંતી કરી છે. IMAએ હાલ બાળકોમાં ચાલી રહેલા રસીકરણની સાથે જે વિદ્યાર્થીઓ સ્કૂલે નથી જઈ રહ્યા તેઓને પણ રસી આપવામાં આવે, સાથે સાથે પરિસ્થિતિ અને સંજોગો જોતા શાળામાં શૈક્ષણિક કાર્ય ફરીથી ઓનલાઇન કરવા ચેતવણીની ભાષામાં સૂચન કર્યું છે.

વિદેશથી આવતા પ્રવાસીઓ માટે પ્રવેશ-ક્વોરન્ટીનની પોલિસી બનાવો

આ ઉપરાંત ઈન્ડીયન મેડિકલ એસોસિએશને સૂચન કર્યું કે, વિદેશથી આવનારા તમામ પ્રવાસીઓ માટે કોવિડ ટેસ્ટ બાદ પ્રવેશ અને તેમના માટે ક્વોરન્ટીન પોલિસી તૈયાર કરવામાં આવે. એટલું જ નહીં, રાજ્યમાં ચાલતા જાહેર મેળાવડા, રાજકીય, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો પર નિયંત્રણો લાવવા જોઇએ. આ ઉપરાંત ભેગા થવાના કોઈ સ્થાન પર ક્ષમતાના 25% ટકા લોકોને જ પ્રવેશ આપવામાં આવે.

હોટેલ, રેસ્ટોરાં, જિમ, સિનેમાઘરોમાં 50% કેપિસિટી લાગુ કરો

તેની સાથે સાથે હોટેલ, રેસ્ટોરાં, જિમ, સિનેમાની ક્ષમતાના 50% કેપેસિટી સાથે અને રમત ગમતના કાર્યક્રમમાં 35% કેપિસિટી સાથે યોજાઈ તે હિતાવહ છે.

જાહેર સ્થળોએ બે ડોઝ લીધા હોય તેને જ પ્રવેશ આપો

સરકારી ઓફિસ અને અન્ય જાહેર સ્થળો પર કોરોના વેક્સિનના 2 ડોઝ લીધા હોય તેવા વ્યક્તિઓને જ પ્રવેશ આપવામાં આવે અને કોરોના ગાઇડલાઈનનું કડકાઈથી પાલન

થાય, આ ઉપરાંત રાત્રિ કર્ફ્યૂનો કડકાઇથી અમલ કરવા માટે પણ રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે.

શરદી, ખાંસી, તાવ હોય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો

તેની સાથે સાથે લોકો માટે સાદા કાપડના માસ્કની જગ્યાએ સર્જીકલ માસ્કનો ઉપયોગ કરવા ભલામણ કરવામાં આવી છે. જો કોઈ પણ પ્રકારના શરદી, ખાંસી, તાવ હોય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવા માટે લોકોને વિનંતિ કરી છે.