ગુજરાતના ત્રણ સહિત દેશના 13 શહેરમાં 2022ના વર્ષમાં શરૂ થશે 5G સેવા

હાલ ભારતી એરટેલ ,રિલાયન્સ જિયો અને વોડાફોન આઈડિયા તરફથી 700 MHz, 3.5 GHz અને 26 GHz બેન્ડ્સ પર 5G સેવાનું ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-12-2021

ટેલિકોમ્યુનિકેશન વિભાગ (Department of Telecommunications -DoT)નું કહેવું છે કે 2022ના વર્ષમાં દેશના 13 શહેરમાં 5G સેવા (5G services in India) લોંચ કરવામાં આવશે. સોમવારે ડોટ (DoT) તરફથી એક અધિકૃત નિવેદનમાં આ વાત કહેવામાં આવી હતી. આ 13 શહેરમાં ગુજરાતના ત્રણ શહેર પણ સામેલ છે. ડોટના કહેવા પ્રમાણે દિલ્હી, ગુરુગ્રામ, મુંબઈ, પુણે, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરબાદ, ચંદીગઢ, લખનઉ, અમદાવાદ, ગાંધીનગર અને જામનગરમાં 2022ના વર્ષમાં કૉમર્શિયલ 5G સેવા લોંચ કરવામાં આવશે. ડોટ તરફથી નિવેદનમાં કહેવાયું છે કે, “આ મેટ્રો અને મોટા શહેરોમાં આવતા વર્ષે સૌથી પહેલા 5G સેવા લૉંચ કરવામાં આવશે.”

ઉલ્લેખનીય છે કે હાલ ભારતી એરટેલ (Bharti Airtel), રિલાયન્સ જિયો (Reliance Jio) અને વોડાફોન આઈડિયા (Vodafone-Idea) તરફથી 700 MHz, 3.5 GHz અને 26 GHz બેન્ડ્સ પર 5G સેવાનું ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આ કંપનીઓ ભારતમાં આ ટેક્નોલોજીથી શૈક્ષણિક, મોબિલીટી અને સુરક્ષા ક્ષેત્રમાં કેવાં કેવાં ફાયદા થશે તેને ગણાવી ચૂકી છે. કોમ્યુનિકેશન મંત્રી અશ્વિની વૈષ્ણવે ગત મહિને એક નિવેદનમાં કહ્યુ હતુ કે, “આવતા વર્ષે એપ્રિલ-મે મહિનામાં 5G સ્પેક્ટ્ર્મની હરાજી થશે.”

જોકે, હરાજી પ્રક્રિયામાં થોડું મોડું થઈ શકે છે. કારણ કે ટ્રાય 5G અંગે પોતાની ભલામણો માર્ચ મહિના સુધી આપશે. આ ઉપરાંત ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ પણ સરકારને 5G સ્પેક્ટ્રમની કિંમત વ્યાજબી રાખવાની વાત કરી ચૂક્યા છે. જેનાથી આ ક્ષેત્ર સાથે જોડાયેલા વધુમાં વધુ ઉદ્યોગો તેમાં ભાગ લઈ શકે.

5G નેટવર્ક લોન્ચ થવાથી કયા ક્ષેત્રોને થશે અસર?

દેશમાં લોકો ઉત્સુકતાથી 5જી (5G in India) લોન્ચ થવાની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. કારણ કે ઝડપી ઇન્ટરનેટ સેવાઓ સાથે આપણા જીવનની ગુણવત્તા પર પણ અસર પડશે. તો ચાલો જાણીએ 5જી નેટવર્ક કઇ રીતે તમામ ક્ષેત્રો પર અસર કરશે.

હેલ્થ કેર

આપણે આરોગ્ય ક્ષેત્રમાં પહેલાની સાપેક્ષમાં ઘણી પ્રગતિ કરી છે, પરંતુ જ્યારે નિદાન અને સારવાર યોજનાઓની વાત આવે ત્યારે આર્ટિફીશ્યલ ઇન્ટેલીજન્સ અને 5Gની સાથે આ ક્ષેત્ર વધુ વિકાસિત બનવા માટે તૈયાર છે. આ ટેક્નોલોજી ગ્રામીણ આરોગ્ય ક્ષેત્ર પર વધુ અસર ઉપજાવશે, જ્યાં ઉપલબ્ધતા અને પરવડવું મુખ્ય પોઇન્ટ છે. એરટેલે તેને 5જી ફોર બિઝનેસ પ્લાનના ભાગરૂપે એપોલો હોસ્પિટલ્સ અને ફ્લિપકાર્ટ જેવા ક્લાયન્ટ્સ માટે 5G સોલ્યુશન્સ જમાવવા અને ચકાસવા માટે સિસ્કો, AWS, Ericsson, Accenture, Nokia અને અન્ય ટેક્નોલોજી પાર્ટનર સાથે સમજૂતી કરી છે.

મહામારીના કારણે લોકો મહિનાઓ સુધી ઘરોમાં બંધ રહેતા ઓટીટી પ્લેટફોર્મ્સ અને વીડિયો પ્લેટફોર્મ્સ દ્વારા મનોરંજન સામગ્રી મેળવી હતી. તેથી 5જી ટેક્નોલોજી મનોરંજનના આ આનંદને ઝડપી સ્પીડ સાથે નવી ઊંચાઇઓ પર લઇ જશે. તમે સેકન્ડોમાં વીડિયો અને ફિલ્મો હાઇ ક્વોલિટીમાં ડાઉનલોડ કરી શકશો. આ સાથે જ તમારો ગેમિંગના આનંદ પણ રોમાંચિત બનશે.

રીમોટ પ્રોસેસિંગ અને ક્લાઉડ ગેમિંગ

હાઇ સ્પીડ સાથે ફાઇલો, પ્રોગ્રામ્સ અને એપ્લિકેશન્સને ઍક્સેસ કરવી એ એક ઝટકામાં શક્ય બનશે અને આ બધું ક્લાઉડ ટેક્નોલોજીને આભારી હશે. ક્લાઉડ ગેમિંગ સાથે, તમારે તમારા ફોન પર ગેમ્સ ડાઉનલોડ કરવાની જરૂર નથી. પરંતુ તેના બદલે તમે તમારા કોઈપણ ડિવાઇસ પર એક્સેસ કરી શકો છો.

વર્ચ્યુઅલ રિયાલિટી

વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટ્સની વાત આવે ત્યારે એક સામાન્ય પડકાર એ છે કે હાઇ પિંગ એક્શન અને રિસ્પોન્સ વચ્ચે અંતરનું કારણ બને છે. AR અને VRનો આનંદ માણવા માટે તમને હાઇ-સ્પીડ નેટવર્કની જરૂર હોવાથી 5G ટેક્નોલોજી આ જરૂરિયાતને સરળતાથી પૂરી કરી શકશે.

સ્માર્ટહોમ્સ અને સિટી

5Gના પરિણામે આવનાર બીજી મોટી અસર સ્માર્ટ હાઉસિંગ અને સ્માર્ટ સિટીની સ્થાપના છે. એટલે કે આવનારા વર્ષોમાં આપણે સેલ્ફ ડ્રાઇવિંગ વ્હીકલ્સ, સ્માર્ટ સિગ્નલ્સ, રસ્તાઓ પર ઓછી ટ્રાફિક અને લોકોની સલામતી માટે વધુ કેમેરા આવી શકે તેવી આશા રાખી શકીએ છીએ. ટેક્નોલોજી આજે આપણા જીવનનું અભિન્ન અંગ બની ચૂકી છે. અને સમય સાથે આ જરૂરિયાત વધતી જશે. તેથી વધુ ડેટા, સ્ટોરેજ અને સિક્યોરીટીની જરૂરિયાત પડશે. પરંતુ 5જી આવતા તમામ ક્ષેત્રોમાં પરીવર્તન આવશે.