બિટકોઈનની વાત છૂપાવશો તો ભરવો પડશે 20 કરોડ રૂપિયા દંડ!

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-12-2021

મોદી સરકાર બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સીઝ પર નજર રાખવાની જવાબદારી કેપિટલ માર્કેટ્સ રેગ્યુલેટરને આપવાનું વિચારી રહી છે. બ્લૂમબર્ગે સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે. ક્રિપ્ટોને લઈને દેશમાં હાલમાં કોઈ કાયદા નથી. સરકાર સંસદના શિયાળુ સત્રમાં તે અંગે એક બિલ લાવવાની તૈયારીમાં છે. માનવામાં આવી રહ્યું છે કે, ક્રિપ્ટોકરન્સીઝને ફાઈનાન્શિયલ એસેટ્સ તરીકે ક્લાસીફાઈ કરવામાં આવી શકે છે.

રિપોર્ટ મુજબ, ક્રિપ્ટો રોકાણકારોએ પોતાની એસેટ્સ જાહેર કરવા અને નવા નિયમોના પાલન માટે સમયમર્યાદા આપવામાં આવી શકે છે. એક સૂત્રએ કહ્યું કે, બિલમાં ક્રિપ્ટોકરન્સીઝને બદલે ક્રિપ્ટોએસેટ્સનો યૂઝ કરવામાં આવી શકે છે. નિયમોનું ઉલ્લંઘન કરનારાને 20 કરોડ રૂપિયાનો દંડ કે દોઢ વર્ષની સજા થઈ શકે છે. સાથે જ સરકાર નાના રોકાણકારોના હિતોના રક્ષણ માટે ક્રિપ્ટોમાં રોકાણની સમયમર્યાદા નક્કી કરે તેવી શક્યતા છે.

આ મામલે ટિપ્પણી માટે નાણા મંત્રાલયના પ્રવક્તા સાથે તાત્કાલીક કોઈ સંપર્ક થઈ શક્યો નથી. નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગત સપ્તાહે કહ્યું હતું કે, સરકારે અગાઉના બિલ પર ફરીથી કામ કર્યું છે. અગાઉના બિલમાં બધી પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સીઝ પર પ્રતિબંધ મૂકવાની વાત કરવામાં આવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, દેશમાં બિટકોઈનને કરન્સીના રૂપમાં માન્યતા આપવાનો કોઈ પ્રસ્તાવ નથી.

ક્રિપ્ટો એનાલિસ ફર્મ ચેઈનાલિસીસના ઓક્ટોબરમાં આવેલા એક રિપોર્ટ મુજબ, જૂન 2021 સુધીમાં ગત 1 વર્ષમાં દેશમાં ક્રિપ્ટો માર્કેટ 641 ટકા વધ્યું છે. સરકાર હવે ડિજિટલ કરન્સીઝથી થતી કમાણી પર ટેક્સ લગાવવાનું વિચારી રહી છે. સાથે જ વર્યુઅલ કોઈન્સના ટ્રાન્જેક્શન પર કડક નિયમો બનાવવાની પણ માંગ ઉઠી છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ કરન્સી પર એક સમીક્ષા બેઠક કરી હતી.