હેટ સ્પીચ અને ફેકન્યુઝ અટકાવવા ફેસબુક પર કેન્દ્ર સરકાર સખ્ત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.01-11-2021

હેટ સ્પીચના આરોપોને લઈને કેન્દ્ર સરકાર સખ્તીના મૂડમાં છે. આ અંગે કેન્દ્ર સરકારે દિગ્ગજ ટેક કંપની Facebookને પત્ર લખીને ધિક્કારજનક ભાષણને લઈને ફેસબુક દ્વારા શું કરવામાં આવ્યું છે તેનો લેખિતમાં જવાબ આપવા જણાવ્યું છે. કેન્દ્ર સરકાર તરફથી ફેસબુકને કહેવામાં આવ્યું છે કે તેણે સોશિયલ મીડિયા પર ફેલાતી હેટ સ્પીચને રોકવા માટે અત્યાર સુધી શું કર્યું છે તેની વિગતવાર માહિતી આપે. સાથે જ કંપનીએ કયા અલ્ગોરિધમનો ઉપયોગ કર્યો છે. વાસ્તવમાં, એવો આરોપ છે કે ફેસબુક તેના પ્લેટફોર્મ પર ફેક ન્યૂઝ અને હેટ સ્પીચને રોકવામાં નિષ્ફળ રહ્યું છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર સખ્તીના મૂડમાં આવી ગઈ છે. તો હવે આ મામલે સરકાર દ્વારા ફેસબુકને જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે.

ભારતમાં ફેસબુકના 400 મિલિયનથી વધુ યુઝર્સ છે

જણાવી દઈએ કે ભારત સરકારનું આ પગલું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તાજેતરમાં આંતરિક દસ્તાવેજોથી જાણવા મળ્યું છે કે ભારત ખોટી માહિતી અને હેટ સ્પીચને કારણે ઘણા મોરચે સંઘર્ષ કરી રહ્યું છે. આ કારણે ભારતમાં પણ મોટા પાયે હિંસા પણ ફેલાઈ છે. હેટ સ્પીચ અને ફેક ન્યુઝ ફેલાવવામાં સોશિયલ મીડિયા મહત્વની ભૂમિકા ભજવે છે. જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક ભારતમાં મોટો માર્કેટ શેર ધરાવે છે. ભારતમાં ફેસબુકના 400 મિલિયનથી વધુ યુઝર્સ છે.

કેન્દ્ર સરકારે માંગ્યો જવાબ: યુએસ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંશોધનકર્તાએ દાવો કર્યો છે કે સોશિયલ મીડિયા કંપની ફેસબૂક પર ઘણા ગ્રુપ અને પેજ છે, જ્યાં ભડકાઉ અને ભ્રામક કંટેન્ટ હાજર છે. માહિતી અનુસાર, ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય (MeitY) એ ફેસબુકને પત્ર લખીને સોશિયલ મીડિયા દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે માહિતી માંગી છે. જો કે, સરકાર દ્વારા માંગવામાં આવેલા જવાબ અંગે ફેસબુક દ્વારા કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.