કચ્છમાં ફરી 3.4ની તીવ્રતાનો ભૂકંપ :ભચાઉ નજીક કેન્દ્રબિંદુ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-10-2021

રણપ્રદેશ કચ્છમાં શિયાળાના આગમનના વર્તારા વચ્ચે સંવેદનશીલ વાગડ ફોલ્ટલાઇનમાં રવિવારની રાત્રે 3.4ની તીવ્રતાના આંચકાએ હાજરી પૂરાવતાં ગભરાટ ફેલાયો છે.

આંચકા અંગે ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરીએથી પ્રાપ્ત માહિતી અનુસાર ગત રવિવારની રાત્રે 9:56 મિનિટે, ભચાઉથી 17 કિલોમીટર દૂર ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશાએથી કેન્દ્રબિંદુ ધરાવતો રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા ધરાવતા આંચકાની કેટલાક લોકોએ અનુભૂતિ કરી હતી.

અચાનક હાઇપર એક્ટિવ બનેલી કચ્છની વાગડ ફોલ્ટલાઈનમાં ભૂકંપના આંચકાનો દોર ચિંતાજનક રીતે વધી ગયો છે. કચ્છમાં આમતો બે દાયકા અગાઉ આવેલા મહાવિનાશક ધરતીકંપ બાદ સતત આંચકાઓ આવી રહ્યા છે, પણ છેલ્લા ત્રણ-ચાર મહિનામાં ભૂકંપના આંચકાઓનું પ્રમાણ અચાનક વધી ગયું છે. જૂનથી ઓક્ટોબર વચ્ચે 4.0થી ઉપરના 12 જેટલા શક્તિશાળી આંચકાઓએ સૌરાષ્ટ્ર-કચ્છને ધ્રુજાવ્યું હતું.