મોરબી સામાકાંઠા વિસ્તારમાં પાણીમાં પશુ- પક્ષીના અવશેષો નીકળતા લોકોમાં રોષ

આવી સ્થિતિ સર્જાતા લોકો પાલિકા પ્રત્યે ગુસ્સો વ્યકત કરી રહ્યા છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-10-2021

મોરબી નગરપાલિકા તંત્ર હમેશા કોઈને કોઈ કારણોસર વિવાદમાં સપડાયા કરે છે ત્યારે નવરાત્રીના પાવન દિવસોમાં જ પાલિકા દ્વારા સામાકાંઠા વિસ્તારમાં નળ વાટે કરાતા પાણી વિતરણમાં પશુ પક્ષીના અવશેષો નીકળતા દુર્ગંધ યુક્ત પાણી વિતરણથી લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. સાથો સાથ આવા ગંદા પાણીને કારણે રોગચાળાની ભીતિ પણ સેવાઇ રહી છે

નલ સે જલ સહિતની યોજનાઓની ગુલબાંગો વચ્ચે મોરબી શહેરમાં નગરપાલિકા તંત્ર લોકોની સુખાકારી જળવાઈ રહે તેવું શુદ્ધ પાણી વિતરણ કરવામાં ઉણી ઉતરી છે. છાસવારે નળના પાણી સાથે ગટરના પાણી ભળી જવાની ફરિયાદો ઉઠે છે ત્યારે હવે તો હદ વટાવી મૃત પશુપક્ષીના અવશેષો યુક્ત પાણી વિતરણથી લોકો રોષ વ્યાપ્યો છે. સામાકાંઠા વિસ્તારમાં નવરાત્રીના પાવન દિવસોમાં જ આવી

સ્થિતિ સર્જાતા લોકો પાલિકા પ્રત્યે ગુસ્સો વ્યકત કરી રહ્યા છે: દરમિયાન મૃત પશુ પક્ષીના મૃતદેહ યુક્ત પાણી વિતરણ અંગે મોરબી નગરપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારી જાનીભાઈનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે સામાકાંઠા વિસ્તારમાં નગરપાલિકા ફિલ્ટર કરેલું પાણી વિતરણ કરે છે સાથો સાથ આ વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પણ પાણી વિતરણ થતું હોય ડબલ વ્યવસ્થાને કારણે કોઈ સમસ્યા સર્જાય હોવાનું બની શકે છે. જો કે તેઓએ આજે જ સો ઓરડી સહિતના વિસ્તારોમાં પાઇપલાઇન ચેક કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.