સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાની વિદાય

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-10-2021

સપ્ટેમ્બર મહિનામાં ભરપુર વરસાદ વરસાવ્યા બાદ છેલ્લા એકાદ સપ્તાહથી છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. જયારે હવે ચોમાસાએ સમગ્ર ગુજરાતમાંથી વિદાય લઈ લીધી છે. આવતીકાલથી વાતાવરણ સંપૂર્ણ ચોખ્ખુ થઈ જશે. એટલૂ જ નહિં દિવસ તથા રાત્રીનાં તાપમાનમાં પણ તબકકાવાર વધારો થશે.

હવામાન વિભાગે (ગુજરાત)ના વડા મનોરમા મોહંતીએ ‘સાંજ સમાચાર’સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નૈઋત્ય ચોમાસું સમગ્ર ગુજરાતમાંથી પાછુ ખેંચાઈ ગયુ છે.ચોમાસાની વિદાય રેખા ઔરંગાબાદ, સિલવાસા, અને 20 ડીગ્રી નોર્થ તથા 70 ડીગ્રી ઈસ્ટ લેટીટયુડ પરથી પસાર થઈ રહી છે. જેના આધારે સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થવાનું સ્પષ્ટ બન્યુ છે.

તેઓએ કહ્યું કે ચોમાસાની વિદાય સાથે તાપમાનનો પારો વધવા લાગે તેવી શકયતા છે.ઓકટોબરના અંત સુધી તાપમાન તબકકાવાર વધતુ રહેતુ હોય છે. દરમ્યાન આજે ગુજરાતમાંથી ચોમાસાએ સંપૂર્ણ વિદાય લીધી છે તે પૂર્વે રાજયના 25 જેટલા તાલુકાઓમાં હળવા છાંટાથી માંડીને બે ઈંચ સુધીનો વરસાદ થયો હતો.

ગીર સોમનાથનાં તાલાલામાં બે ઈંચ, ચોટીલામાં સવા ઈંચ, ડોલવાન-જસદણ, જામકંડોરણા, દાહોદ, ગીર ગઢડામાં અર્ધો-અર્ધો ઈંચ વરસાદ હતો.અન્ય 15 જીલ્લાઓમાં છાંટાથી માંડીને ઝાપટા વરસ્યા હતા. હવે ચોમાસાની વિદાય સાથે વરસાદ પણ અટકવાનું સ્પષ્ટ છે.હવામાન વિભાગે આવતીકાલથી સમગ્ર રાજયમાં વાતાવરણ ચોખ્ખુ થઈ જવાની તથા તાપમાન વધવાની આગાહી કરી છે.