માસ્ક પહેરવામાં લોકો લાપરવાહ બની ગયા

માત્ર 13 ટકા લોકો હવે માસ્કને જરૂરી ગણે છે: દેશના 366 જિલ્લાઓમાં સર્વેના ચોંકાવનારા તારણ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-10-2021

દેશભરમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે તેની સાથે જ લોકો કોરોના માટેની તકેદારીઓ જેમ કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગ ભુલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. લોકો બેદરકાર બની રહ્યા છે. તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે માત્ર 13 ટકા લોકોએ પોતાના વિસ્તાર અને જિલ્લામાં માસ્ક પહેરવાની સલાહને અમલમાં મુકવાની બાબત સાથે સહમતી દર્શાવી હતી.

માત્ર 6 ટકા લોકોએ સોશિયલ ડિસ્ટન્સને લાભદાયક ગણાવ્યો હતો. ડિજિટલ કમ્યુનિટી આધારિત પ્લેટફોર્મ લોકલ સર્કલ્સ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં આ બાબતો સામે આવી છે. આ સર્વેમાં દેશના 366 જિલ્લાના 65 હજાર જેટલા લોકોની પ્રતિક્રિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેઓને પુછવામાં આવ્યું હતું કે ફલાઈટ્સ, એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, બસ બસસ્ટેશનમાં તેમજ રસીકરણ કેન્દ્રો જેવા સ્થળો પર લોકો કંઈ રીતે કોરોના માટેના માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ જેવા કોવિડ પ્રોટોકોલનું પાલન કરે છે.

હાલમાં કરવામાં આવેલા આ સર્વેમાં 64 ટકા પુરુષો અને 36 ટકા મહિલાઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રતિક્રિયા આપનારા 46 ટકા લોકો પ્રથમ શ્રેણીના વિસ્તારોના લોકો, 29 ટકા દ્વિતીય શ્રેણીના વિસ્તારના તેમજ 25 ટકા લોકો ત્રીજી શ્રેણી તેમજ ગ્રામ્ય વિસ્તારોના રહેવાસી હતા. મહત્વનું છે કે દેશમાં હાલ કોરોના કેસ ઘટી ગયા છે. છેલ્લા 208 દિવસોના સક્રિય કેસમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે.