હથેળી બતાવી પેમેન્ટ કરવાની પદ્ધતિને લોકપ્રિય બનાવવાનો પ્રયાસ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-10-2021

થોડા સમય પહેલાં એમેઝોન કંપનીએ વિકસાવેલી એક નવી પેમેન્ટ પદ્ધતિની આપણે વાત કરી હતી. વિશ્વભરમાં કોરોનાનો પ્રસાર થયા પછી કોન્ટેક્ટલેસ પેમેન્ટનું ચલણ સતત વધી રહ્યું છે. આથી એમેઝોન કંપનીએ એવી પદ્ધતિ વિકસાવી છે જેમાં અમુક ચોક્કસ રીટેઇલ સ્ટોર્સમાં લોકો ખાસ પ્રકારના સ્કેનર મશીન પર પોતાની હથેળી ધરી પોતાની ઓળખ સાબિત કરીને પેમેન્ટ કરી શકે છે. આ પદ્ધતિમાં ફક્ત એક વાર આપણે ખાસ પ્રકારના સ્કેનર મશીન પર હથેળી ધરવાની રહે છે. એ પછી એ ડેટા એમેઝોનના સર્વર્સમાં સચવાઈ રહે છે. તેને આપણા કાર્ડ સાથે કનેક્ટ કરવામાં આવે છે આથી ફરી વાર જ્યારે રીટેઇલ સ્ટોરમાં ખરીદી કરીએ ત્યારે આવા સ્કેનર પર દૂરથી હથેળી ધરતાં આપણા કાર્ડમાંથી આપોઆપ પેમેન્ટ થઈ જાય છે.

એમેઝોન કંપની આ પદ્ધતિને વધુ લોકપ્રિય બનાવવા માટે અને લોકોને તેમાં સાઇનઅપ કરવા માટે પ્રોત્સાહન આપવા દસ ડોલરની ક્રેડિટ આપવાનું શરૂ કર્યું છે. આમ આ સિસ્ટમમાં પહેલી વાર રજીસ્ટ્રેશન કરાવવાથી લોકોને દસ ડોલરનો રિવોર્ડ મળશે જે તેઓ પોતાની આગલી ખરીદીમાં વટાવી શકશે. અત્યારે જોકે અમેરિકાના ફક્ત ૫૦ જેટલા રીટેઇલ સ્ટોર્સમાં આ પ્રકારે પેમેન્ટ થઈ શકે છે.