ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ 6 કલાક બંધ: ઝુકરબર્ગે માફી માગી

ફેસબુકના શેરમાં 6 ટકાનો કડાકો બોલ્યો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-10-2021

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને તેની માલિકીનું ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ અને ફોટો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામ 4 ઓક્ટોબરના રોજ વિશ્ર્વભરમાં

કલાકો સુધી બંધ રહ્યા હતા. આ ક્રેશને કારણે કરોડો વપરાશકર્તાઓ કેટલાક કલાકો સુધી આ એપ્લિકેશન્સ પર સંદેશા મોકલવા અથવા પ્રાપ્ત કરવામાં અસમર્થ રહ્યાં હતા. ફેસબુક અને તેની કંપનીઓની સેવાઓ લગભગ 6 કલાક માટે બંધ રહી હતી.

ભારતમાં વોટ્સએપના લગભગ 53 મિલિયન વપરાશકર્તાઓ છે. ફેસબુકના લગભગ 41 મિલિયન અને ઇન્સ્ટાગ્રામના લગભગ 21 મિલિયન વપરાશકર્તાઓ છે.

આ આઉટેજ પર ફેસબુકના સ્થાપક અને સીઈઓ માર્ક ઝુકરબર્ગે કહ્યું, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ અને મેસેન્જર હવે ફરી પાછા ઓનલાઈન થયા છે. આજના વિક્ષેપ માટે માફ કરશો. હું જાણું છું કે તમે તે લોકો સાથે જોડાયેલા રહેવા માટે અમારી સેવાઓ પર કેટલો વિશ્વાસ કરો છો જેની તમે કાળજી લો છો. ફેસબુક અને તેના એપ્સ પાછળ આટલા મોટા આઉટેજનું કારણ હજું સ્પષ્ટ થઈ શક્યું નથી. ધ ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, ફેસબુકની સિક્યોરિટી ટીમના બે સભ્યોએ નામ ના છાપવાની શરતે કહ્યું કે, આના પાછળ સાઈબર એટેક હોવાની શક્યતા ઓછી છે, કેમ કે હૈક સામાન્ય રીતે આટલી બધી એપ્સને પ્રભાવિત કરતું નથી.

રિપોર્ટમાં સિક્યોરિટી એક્સપર્ટે કહ્યું છે કે, શક્યતા છે કે મુશ્કેલી ફેસબુકના સર્વર કોમ્પ્યૂટરથી થઈ હોય જેના કારણે લોકો ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ સાથે ક્નેક્ટ કરી શકતા નહતા. આ બાબતની જાણકારી રાખનારા ત્રણ લોકોએ કહ્યું કે, સાંતા ક્લારા, કેલિફોર્નિયામાં એક ડેટા સેન્ટરની એક ટીમના સર્વર કોમ્પ્યુટર સુધી પહોંચ્યા પછી ફેસબુકે સેવા પુન:સ્થાપિત કરી હતી.