જામનગર: બાલંભામાં મેઘો ગાંડોતૂર, સાડા છ ઇંચ વરસાદ

કાલાવડ અને જામજોધપુર તાલુકા મથકે અડધો – અડધો ઇંચ : ધ્રોલ – જોડિયામાં 2 ઇંચ વરસાદ નોંધાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-07-2021

(લલિત નિમાવત દ્વારા) સૌરાષ્ટ્રના સાગરકિનારાના વિસ્તારોમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી સાચી ઠરી છે. ગઈકાલથી જામનગર જીલ્લાભરમાં વરસાદી માહોલ રચાયો છે.જેમાં બાલંભામાં વરસાદે ભુક્કા કાઢી નાખ્યા હોય તેમ સાડા છ ઇંચ વરસાદ નોંધાયો છે અને જામનગર શહેરમાં પણ વ્હેલી સાવરથી ધીમી ધારે વરસાદનું આગમન થયું છે.

જોડિયા તાલુકાના બાલંભા ગામે છેલ્લા ચોવીસ કલાકમાં 6 થી 7 ઈંચ જેટલો વરસાદ પડયો છે. જોડિયા તાલુકાના પચાંયત ના માજી પ્રમુખ જેઠાલાલ આઘેરાએ ગામની લીધી હતી ત્યારે ગામના સરપંચ ઈશ્વરભાઈ ખોલીયા,ભરતભાઇ રાવલ, હાતીમભાઈ સાથે રહીને નિરીક્ષણ કર્યું હતું, 24 કલાકમાં અહીં 6 થી 7 ઇંચ જેટલો વરસાદ પડતા અહીંની આજી નદી બે કાંઠે ભરપૂર પ્રવાહમાં વહી રહી છે. અને ખેડૂતોમાં ખુશી ખુશી જોવા મળી રહી છે જયારે અહીં કોઈ પણ પ્રકારની જાન હાની થયેલ નથી

ભારે વરસાદની આગાહીને પગલે જામનગર પંથકમાં સર્વત્ર મેઘમહેર થઈ રહી છે. ગઈ કાલે કાલાવડ અને જામજોધપુર તાલુકા મથકે અડધો અડધો ઇંચ તેમજ ગ્રામ્ય પંથકમાં અડધાથી માંડી ત્રણ-ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ધ્રોલ અને જોડિયામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. તેમજ બાલંભામાં મેઘરાજાએ સટાસટી બોલાવતા 24 કલાકમાં સાડા છ ઇંચ જેટલું પાણી વરસાવ્યું હતું. જેને લઈને નીચાણવાળા ગ્રામ્ય પંથકની નદીઓ બે-કાઠે થઇ હતી તો ખરીફ પાક પર આ વરસાદ કાચા સોના જેવો સાબિત થયો છે. માહોલ હજુ યથાવત છે. આ ઉપરાંત જામનગર શહેરમાં પણ આજે વ્હેલી સાવરથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.