ગુજરાતના સવા કરોડ વીજગ્રાહકો માથે વર્ષે 1356 કરોડનો ધૂમ્બો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-07-2021

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના ગેસ આધારિત સાત વીજ ઉત્પાદન પ્લાન્ટ ગેસને અભાવે વીજળીનું ઉત્પાદન ન થઈ શકતું હોવા છતાંય ગુજરાતના 1.20 કરોડ વીજ વપરાશકારોને માથે વર્ષે દહાડે રૂા. 1356 કરોડનો ખોટો ખર્ચ બોજ આવી રહ્યો છે.ધુવારણ એક, બે, ત્રણ તથા ઉત્રાણ એક્સટેન્શન અને જીઆઈપીસીએલના વડોદરા ખાતેના પ્લાન્ટ તથા જીએસઈજીના હજીરાના પ્લાન્ટમાં તેમ જ જીપીપીપીસીના પિપાવાવના પ્લાન્ટની 2490 મેગાવોટની ક્ષમતા સામે માંડ 20 ટકા એટલે કે 415 મેગાવોટ વીજળી જ પેદા કરવામાં આવે છે. આમ માંડ 15 ટકા વીજળી પેદા કરતાં આ પ્લાન્ટની જાળવણીનો, તેના કર્મચાઈરોના પગાર તથા લોનના વ્યાજ ખર્ચનો બોજો ગ્રાહકોને માથે નાખવામાં આવી રહ્યો છે.

ગેસથી ચાલતા સાત પ્લાન્ટને ગેસનો પુરવઠો વ્યવસ્થિત ન મળતો હોવાથી છેલ્લા એક વર્ષથી 15 ટકા ક્ષમતાએ જ તે ચાલી રહ્યા છે. પરિણામે યુનિટદીઠ વીજ ઉત્પાદન ખર્ચ રૂા. 5.60 જેટલો ઊંચો આવે છે. વર્તમાન સમયમાં આટલા ઊંચા દરથી કોઈપણ વીજળીની ખરીદી કરવા કોઈ જ તૈયાર નથી. પાવર પરચેઝ માટે જર્ક દ્વારા નક્કી કરી આપવામાં આવેલા મેરિટ ઓર્ડર (ઓછા ભાવે મળતી વીજળી પહેલી ખરીદવાની સૂચના આપતો ઓર્ડર)માં પણ ગુજરાત સરકારની આ સાત કંપનીની વીજળીનું કોઈ જ લેવાલ નથી.

વીજ ઉત્પાદન મથક એક પણ યુનિટ વીજળી પેદા જ ન કરતું હોય તેવા સંજોગોમાં ફિક્સ્ડ કોસ્ટ પેટે રૂા. 1356 કરોડની વસૂલી ગ્રાહકોના ખિસ્સામાંથી કરવામાં આવે તે ઉચિત નથી. આ સ્થિતિમાં ગુજરાત વીજ નિયમન પંચે વીજ ઉત્પાદન કંપનીઓ સામે કોઈ જ પગલાં ન લેતું હોવાથી ગુજરાતના સરકારી વીજ કંપનીઓના 1.20 કરોડ વીજગ્રાહકો બિનજરૂરી રીતે દંડાઈ રહ્યા છે.

સરકારનાં કાયદા જ બોજરૂપ છે! જર્ક ગુજરાત સરકારથી ડરીને આ પગલાં ન લેતું હોવાની ચર્ચા છે. ગેસ આધારિત સાત વીજ કંપનીઓના વીજ ઉત્પાદન પ્લાન્ટ બંધ કરી દઈને ભંગારમાં કાઢી નાખવામાં આવે તો ગુજરાતના વીજ વપરાશકારને યુનિટદીઠ ખર્ચમાં 15 પૈસાની રાહત મળી શકે તેમ છે. જીયુવીએનએલની કંપનીઓ ક્ષમતા કરતાં 85 ટકા નીચા લોડ ફેક્ટરથી કામ કરી રહી છે. મહિને આ કંપનીઓ સરેરાશ 138 મિલિયન યુનિટ વીજળી પેદા કરી રહ્યા છે. આ સંજોગમાં જર્કે જીયુવીએનએલની આ કંપનીઓનો ફિક્સ્ડ કોસ્ટ પેટે ગ્રાહકોને માથે ખર્ચબોજ નાખવાની ફરજ પાડવી જોઈએ. ગેસ ન મળતો હોવાની કબૂલાત તો ગુજરાત સરકારે પણ કરેલી જ છે. ગેસ મળતો જ ન હોય ત્યારે ફિક્સ્ડ કોસ્ટ તરીકે કોઈપણ કિંમત વસૂલવી તે ગેરકાયદેસર છે. જર્ક વીટો પાવરનો ઉપયોગ કરી કંપનીઓને વીજળી ખરીદવાની ફરજ પાડવી જોઈએ અથવા તો તેમને ફિક્સ્ડ કોસ્ટ લેવાનું બંધ કરાવી દેવું જોઈએ.

જર્કે કંપનીઓ પાસેથી ગેસની ખરીદી કરવા માટે વીટો પાવરનો ઉપયોગ કરવો જોઈએ. બીજું, પ્લાન્ટ લોડ ફેક્ટર 25 ટકાથી નીચે હોય તેવી કંપનીઓને ફિક્સ્ડ કોસ્ટની વસૂલી કરવાની છૂટ આપવી જોઈએ નહિ. ત્રીજું, ગેસ ન મળતો તો તેવા સંજોગમાં આ પ્લાન્ટને ભંગાર કરી દેવા જોઈએ. ગુજરાતના વીજ વપરાશકારો આમેય એફપીપીપીએની ફોમ્ર્યુલા હેઠળ યુનિટ દીઠ રૂા. 1.80નો ચાર્જ ચૂકવી રહ્યા છે. તેમ જ બિલની સંપૂર્ણ રકમ પર 15 ટકા ઇલેક્ટ્રિસિટી ડયૂટી પણ ચૂકવે છે.