રાજ્યમાં વરસાદની ‘રીએન્ટ્રી’, ઉત્તર-દક્ષિણ, સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-07-2021

લાંબા વિરામ બાદ રાજ્યમાં ફરી એકવાર વરસાદનું આગમન થયું છે. જો કે, હવામાન વિભાગે 11થી 13 જુલાઈ દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી હતી. જે બાદ રાજ્યના 31 તાલુકમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર જોવા મળી. રાજ્યમાં આજે સવારથી બપોર સુધીમાં 19 તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો. વલસાડના ઉમરગામમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વલસાડ તાલુકામાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના કોડિનાર, માળીયા, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં અડધા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

રાજકોટના કેટલાંક વિસ્તારોમાં ધોધમાર-ધીમીધારે વરસાદ: શુક્રવારની સવારથી રાજકોટમાં વાદળછાયુ વાતાવારણ જોવા મળ્યું. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ વરસ્યો. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ, યાજ્ઞીક રોડ, કાલાવાડ રોડ, મોરબી સહિતના વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો છે. તો સોરઠિયાવાડી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જે બાદ સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી હતી. તો આ બાજુ ઉપલેટામાં લાંબા વિરામ બાદ એક કલાકમાં અડધાથી એક ઈંચ વરસાદ નોંધાયો છે. ઉપલેટાના મોજીરા, ખાખીજારીયા, સમઢીયાળા, હાડફોડી, ડુમીયાણી ચિખલીયામાં વરસાદ વરસતા ખેડુતો પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. વરસાદ બાદ ખેડુતોને આશા છે કે કપાસ, મગફળી, સોયાબીન, એરંડા સહિતના પાકોને જીવનદાન મળશે.

ધોરાજીમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ: બીજી તરફ, ધોરાજીમાં બપોર બાદ વીજળીના કડાકા ભડાકા સાથે અનરાધાર વરસાદ વરસ્યો હતો. ધોરાજીમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદ બાદ કેટલીક દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતા. જો કે, ભારે વરસાદ બાદ સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અને લોકોને ઉકળાટથી છૂટકારો મળ્યો હતો.

ગોંડલમાં પવન સાથે ધોધમાર વરસાદ: ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જે બાદ ગોંડલના કેટલાંક રસ્તો પર પાણી ભરાયું હતું. ગોંડલના બિલિયાળા, ભુણાવા, હડમતાળા, જામવાડી, ગોમટા તથા કોટડાસાંગણી તાલુકાના નાની મેંગણી, સાંગણવા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જે બાદ રસ્તા પર પણ વરસાદી પાણી ફરી વળ્યાં હતા.

સાબરકાંઠામાં વરસાદની મહેર: વિજયનગર તાલુકામાં પણ લાંબા વિરામ બાદ વાતાવરણમાં પલટો આવતાં ધીમીધારે વરસાદ શરૂ થયો. વિજયનગરના મોજાળીયા, રાજપુર અને નવાગામ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા કેટલાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરયા હતા. વરસાદ પડતા અને પાણી ભરતા નાના ભૂલકાઓએ પણ વરસાદમાં ન્હાવાની મજા માણી હતી.

મોરબીમાં ધીમી ગતિએ વરસાદની એન્ટ્રી : ગત મોડી રાત્રીએ હળવો વરસાદ પડ્યો હતો જયારે આજે રાત્રીના હળવા છાંટા પડ્યા હતા અને વરસાદી માહોલ બંધાયો હતો, ભારે પવનના કારણે રવાપર રોડ પર અમુક સમય માટે વીજળી પણ ગુલ થઇ હતી.