8 મનપા સિવાય રાત્રિ-કફર્યૂ મુક્ત ગુજરાત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-07-2021

રાજ્ય સરકારે આજે રાત્રિ કર્ફ્યૂ અને લાગુ કરેલા નિયંત્રણોમાં વધુ છૂટછાટ આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં થઇ રહેલા સતત ઘટાડા અને પ્રવર્તમાન સ્થિતીની પૂન:સમીક્ષા કરીને કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતાની આ કોર કમિટીમાં લેવાયેલા નિર્ણયો મુજબ રાજ્યમાં હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એ આઠ મહાનગરોમાં જ રાત્રિ કર્ફયુનો અમલ કરાશે.

અગાઉ આ આઠ મહાનગરો સહિત રાજ્યના ભૂજ, મોરબી, પાટણ, મહેસાણા, ભરૂચ, નવસારી, વલસાડ, અંકલેશ્વર અને વાપીમાં રાત્રી કરફયુ અમલમાં હતો તેમાંથી હવે આઠ મહાનગરો પૂરતો જ આ રાત્રિ કરફયુ અમલમાં રહેશે. આ રાત્રિ કરફયુ તા.10મી જુલાઇ-ર0ર1ના રાત્રે 10 કલાકથી તા.ર0 જુલાઇ-ર0ર1ના સવારે 6 કલાક સુધીના સમય દરમિયાન દરરોજ રાત્રે 10 થી સવારે 6 સુધી આ આઠ મહાનગરોમાં રહેશે.

વિજય રૂપાણી અને કોર કમિટીએ એવો પણ નિર્ણય કર્યો છે કે રાત્રિ કરફયુ અમલમાં છે તે શહેરોમાં તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ રાત્રિના 09:00 કલાક સુધી ખુલ્લા રાખી શકાશે.(તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.31.07.2021 સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા વાણિજ્યિક એકમો ચાલુ રાખી શકાશે નહી.)

રેસ્ટોરેન્ટ્સ રાત્રિના 09:00 કલાક સુધી બેસવાની ક્ષમતાના મહત્તમ 60% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયમોને આધિન ચાલુ રાખી શકશે. તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.31.07.2021 સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા રેસ્ટોરેન્ટસ ચાલુ રાખી શકાશે નહી, તેમ પણ નિર્ણય કરવામાં આવ્યો છે. રેસ્ટોરેન્ટ્સ પાર્સલ સુવિધા રાત્રિના 12:00 કલાક સુધી ચાલુ રાખી શકશે.

જીમ 60% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત ગાઈડલાનને આધિન ચાલુ રાખી શકશે.( તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.31.07.2021 સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા જીમ ચાલુ રાખી શકાશે નહી.)

જાહેર બાગ-બગીચાઓ રાત્રિના 09:00 કલાક સુધી જાહેર જનતા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત ગાઈડલાનને આધિન ખુલ્લા રાખી શકાશે. આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 150 (એકસો પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે નોંધણીની જોગવાઇ યથાવત રહે છે.

અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ 40 વ્યક્તિઓની મંજુરી રહેશે. તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત ગાઈડલાનને આધિન, ખુલ્લામાં મહત્તમ 200 વ્યકિતઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના 50% (મહત્તમ 200 વ્યક્તિઓની મર્યાદામાં) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે.

શાળા/કોલેજો/ટયૂશન કલાસિસ માટે પણ છૂટછાટ વધી

ધો.9 થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચીંગ/ટ્યુશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ 50% વિદ્યાર્થીઓ સાથે બેચવાઇઝ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત ગાઈડલાન સાથે ચાલુ રાખી શકાશે.

શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત ગાઈડલાન સાથે યોજી શકાશે.

વાંચનાલયો 60% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત ગાઈડલાનને આધિન ચાલુ રાખી શકાશે.( તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.31.07.2021 સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા વાંચનાલયો ચાલુ રાખી શકાશે નહી.)

જિમ, થિયેટર અને પબ્લિક ટ્રાન્સપોર્ટને પણ રાહત

પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ 75% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટને કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવે છે. (તમામ ડ્રાઇવર અને કંડક્ટર એ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.) પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકાશે.(રમતગમતમાં ભાગ લેનાર ખેલાડી, સપોર્ટ સ્ટાફ ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા વેકસીનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.) સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ 60% કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે.( તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.31.07.2021 સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો ચાલુ રાખી શકાશે નહી.)