મોરબીમાં નવલખી પાર્ટમાં કોલસા ચોરીનો પ્રયાસ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-06-2021

મોરબીના નવલખી પોર્ટમાં જીએમબીના પ્લોટ નંબર-3 માં અદાણી કંપની દ્વારા ઇમ્પોર્ટ કરેલ કોલસો પ્લોટમાં પડયો હતો અને તેઓની કંપનીની પાવતી હોય તો જ ત્યાંથી માલ (કોલસો) ભરી આપો તેવી સૂચના હતી છતાં પણ ચાર લોકોએ અદાણીની જગ્યામાં પડેલ કોલસામાંથી કોલસો ઉપાડી જવાનો કારસો રચ્યો હતો.તે માટે ગાડી મોકલી હતી અને ત્યાં રહેલા સાહેદને માર મારવામાં આવ્યો હતો અને તે માટે થઈને અદાણી કંપનીના ઇન્ચાર્જે દ્વારા હાલમાં ચાર લોકોની સામે માળીયા(મિં.) પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇએ આગળની તપાસ હાથ ધરી છે.

માળીયા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અજય છેદીલાલ જયસ્વાલ ક્ષત્રિય (35) ધંધો પ્રાઇવેટ નોકરી રહે.મોરબી રવાપર રોડ ટવીન ટાવર ફ્લેટ નંબર-202 રવાપર ગામ મોરબી મૂળ રહે.કોરબા રામપુર કોલોની પાસે આઇટીઆઇ ચોક છતીસગઢ વાળાએ માળીયા પોલીસ મથક ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે આરોપી તરીકે રામદેવસિંંહ સુરૂભા ઝાલા રહે.મોટા દહિસરા, જાકુબ ઇસાક નાગીયા રહે.જામનગર, સુનિલ રાજુ જોશી રહે.મોટા દહીસરા તેમજ વાહન નંબર જીજે 3 બીટી 7183 નો ડ્રાઇવર એમ ચાર સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, પોતે અદાણી કંપનીના ઇન્ચાર્જ તરીકે કામ કરે છે અને અદાણી કંપની દ્વારા ઈમ્પોર્ટ કરાયેલો માલ (કોલસો) નવલખી બંદર રહેલ યુએસએલ શિપમેન પાસે રાખવામાં આવ્યો હતો અને તેમના પ્લોટમાં જે કોલસાનો જથ્થો પડયો હતો ત્યાં ઉપરોક્ત ચારેયે એકસંપ કરીને પોતાના વાહનમાં કોલસો ચોરી જવાના ઇરાદે કારસો રચ્યો હતો અને કોલસો ચોરી કરી જવાના ઉદ્દેશથી સાહેદ વિરમભાઈને ગાળો બોલી માર માર્યો હતો અને ફડાકા ઝીંકી દીધા હતા.કારણકે ત્યાં પ્લોટમાં કોલસો ભરવા માટે અદાણી કંપનીનો સિક્કો લગાવેલી પાવતી આપે તો જ પાર્ટીને કોલસાનો જથ્થો ભરી દેવામાં આવતો હતો.

પરંતુ ઉપરોક્ત ચારેયએ મીલીભગત કરીને ચોરી કરવાના ઇરાદે સાહેદ વિરમભાઈને કોઈપણ જાતની પાવતી બતાવ્યા વગર જ પોતાના વાહનમાં કોલસો ભરી જવા માટે કારસો રચ્યો હતો જોકે તેની જાણ થઇ ગઇ હતી અને વિરમભાઈએ પોતાને એટલે કે ફરીયાદી અજયભાઈ જેસ્વાલને જાણ કરતાં હાલમાં અજયભાઈએ ઉપરોક્ત ચાર સામે ફરિયાદ નોંધાવતા માળીયા પીએસઆઇ એન.એચ.ચુડાસમાએ ચોરી, મારામારી અને ધમકીની કલમો લગાવીને હાલમાં ઉપરોકત ચારેયને પકડવા તજવીજ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો