મોરબી સહીત રાજયના ઇન સર્વિસ તબીબો સરકારની ખાત્રી મળતા હડતાલ સમેટીને કામ પર ચડયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-06-2021

રાજ્યના ઈન સર્વિસ તબીબોને સાતમા પગારપંચની વિસંગતતા દૂર કરવી, એનપીએ આપવું, પ્રતિ નિયુક્તિના ધોરણે ફરજ ન સોંપવી સહિતના મુદ્દે લાંબા સમયથી લડત ચલાવવા છતાં સરકાર દ્વારા વાટાઘાટ બેઠક બાદ પણ પ્રશ્ન ન ઉકેલતા અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી હતી અને મોરબી જિલ્લામાં ફરજ બજાવતા 80 જેટલા તબીબ પણ આ હડતાળમાં જોડાયા હતા. જો કે કોરોના મહામારીમાં દિવસ રાત જોયા વગર ફરજ બજાવનાર આ તબીબોની હડતાળથી દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ નિર્માણ થઇ હતી.

મોરબી સિવિલમાં હડતાળને પગલે દર્દીઓની કતારો જોવા મળી હતી ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કતીરાએ ઈન સર્વિસ તબીબોની હડતાળથી લોકોને હાલાકી ન પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી હતી.ઈન સર્વિસ તબીબોની હડતાળને પગલે મોરબી સિવિલ, હળવદ અને વાંકાનેર સિવિલમાં અસર વર્તાઈ હતી.

મોરબી જિલ્લામાં પંચાયત વિભાગના 35 સહીત કુલ 80 તબીબો અચોક્કસ મુદતની હડતાળમાં જોડાતા જીલ્લામાં મુશકેલી ઉભી થઇ હતી જોકે અંતે ગુજરાત ઇન-સર્વિસ ડોકટર એસોસિયેશનના હોદેદારો સાથે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ નાણા વિભાગના અધિકારીઓઓની ઉપસ્થિતિમાં ઇન-સર્વિસ તબીબોના પ્રશ્નો અને માંગણીઓના ઉકેલ માટે બેઠક યોજાયેલ જેમાં નાયબ મુખ્યમંત્રીએ ખાત્રી આપેલ છે કે ફરીથી બેઠક રાખવામાં આવશે અને ઇન-સર્વિસ તબીબોના પ્રશ્નો અને માંગણીઓનો ઉકેલ લાવવા આવશે.

નાયબ મુખ્યમંત્રીની અપીલ હતી કે હડતાળ પાછી લેવામા આવે જે અંગે ઉપસ્થિત સભ્યો સાથે વિચાર વિમર્શ કરી સવોનુમતે નિર્ણય લેવામાં આવેલ કે નાયબ મુખ્યમંત્રીની ખાત્રી અને અપીલને માન આપી ઇન-સર્વિસ તબીબોની અચોક્કસ મુદતની હડતાળને પરત લેવામા આવે છે. તમામ તબીબો ફરજ ઉપર લાગી ગયા હતા.તેમ ગુજરાત ઇન-સર્વિસ ડોકટર એસોસિયેશનના પ્રમુખે યાદીમા જણાવેલ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો