રાજકારણી કે ધંધાદારી સહકારી બેંકોમાં મેનેજિંગ ડાયરેકટર નહી બની શકે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-06-2021

* પ્રાયમરી અર્બન કો-ઓપરેટીવ બેંકો ફરતે રિઝર્વ બેન્કનો નવો ગાળીયો: તીવ્ર પ્રત્યાઘાતની વકી * રિઝર્વ બેન્કનો 27 પાનાનો નવો પરિપત્ર: વ્યકિતગત કે ભાગીદારી ધંધો હોય, રાજકીય કનેકશન હોય, અન્ય સહકારી બેંક કે મંડળીમાં ડાયરેકટર અથવા ક્રિમીનલ કેસ ધરાવતા હોય તેના એમ.ડી, સીઈઓ કે ફુલટાઈમ ડાયરેકટર બનવા પર પ્રતિબંધ * પસંદગી માટે પણ આકરા માપદંડ: રિઝર્વ બેન્કની પૂર્વ મંજુરી ફરજીયાત, મહત્તમ 15 વર્ષ રહી શકશે: રાજકોટ-મોરબી-ગુજરાતની અનેક બેંકોમાં અસર થવાની શકયતા

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ વધુ એક વખત સહકારી બેંકો ફરતે ગાળીયો કસ્યો હોય તેમ નવા શ્રેણીબદ્ધ નિયમો ઘડયા છે. બેંકના વહિવટમાં મુખ્ય ભૂમિકા ધરાવતા મેનેજીંગ ડાયરેકટર સીઈઓ તથા ફૂલટાઈમ ડાયરેકટર માટે આકરી જોગવાઈ કરવામાં આવી છે. રાજકોટ સહીત ગુજરાતની અનેક સહકારી બેંકોને અસર થવાની આશંકા વ્યકત કરવામાં આવી છે.

રિઝર્વ બેન્ક દ્વારા ગઈકાલે 25 મી જુને નવા નિયમો સાથેનો પરિપત્ર તમામ સહકારી બેંકોને પાઠવવામાં આવ્યો છે તેમાં મુખ્યત્વે મેનેજીંગ ડાયરેકટર-સીઈઓ તથા ફુલટાઈમ ડાયરેકટરની નિમણુંકથી માંડીને કાર્યનીતિનો સમાવેશ થાય છે. સૌથી આકરો અને મહત્વનો નિયમ એવો ઘડવામાં આવ્યો છે કે મેનેજીંગ ડાયરેકટર, સીઈઓ કે ફૂલટાઈમ ડાયરેકટર કોઈપણ પ્રકારનું રાજકીય કે ધંધાદારી કનેકશન ન ધરાવતા હોવા જોઈએ. સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેટર કે અન્ય રીતે સીધુ રાજકીય કનેકશન ધરાવતા હોય તેઓની નિમણુંક નહિં થઈ શકે. આ સિવાય તેમના નામે વ્યકિતગત કે ભાગીદારીવાળો ધંધો ન હોવો જોઈએ.

અર્થાત વેપાર ધંધામાં સીધી રીતે સામેલ હોય તેવા લોકોની નિમણુંક નહિં થઈ શકે. આ જ રીતે ક્રિમીનલ કેસ ધરાવનારાને પણ આ હોદા નહિં આપી શકાય. ઉપરાંત અન્ય બેંક કે ક્રેડીટ સોસાયટીમાં ડાયરેકટર ન હોવા જોઈએ.સમગ્ર દેશની પ્રાયમરી અર્બન સહકારી બેંકોને અસરકર્તા આ નવા નિયમોમાં ત્રણેય હોદા પર નિયુકિતનાં માપદંડ પણ નકકી કરવામાં આવ્યા છે.પસંદગી માટે 35 થી 70 વર્ષની વય મર્યાદા રહેવા ઉપરાંત શૈક્ષણીક લાયકાતમાં સીએ કે એમબીએ ફાઈનાન્સ અથવા અનુસ્નાતક કે બેંક ડીપ્લોમાં ફરજીયાત કરાયું છે. ઉપરાંત આઠ વર્ષનો અનુભવ પણ અનિવાર્ય બનાવવામાં આવ્યો છે.

27 પાનાના જુદા જુદા નિયમો દર્શાવતાં પરિપત્રમાં રિઝર્વ બેન્કે હોદાની મર્યાદા પાંચ વર્ષની રાખી છે. ત્યારબાદ રિઝર્વ બેન્કની મંજુરીને આધીન બીજા બે પાંચ પાંચ વર્ષ નિમણુંક આપી શકાશે. 15 વર્ષ પૂર્ણ થવાના સંજોગોમાં ઓછામાં ઓછા ત્રણ વર્ષ પદ પર નહિં રહી શકે.ત્રણેય મહત્વની પોસ્ટ પર નિમણુંક પૂર્વે રિઝર્વ બેન્કની મંજુરી લેવી પડશે અને તે માટે ઓછામાં ઓછા બે નામ મોકલવા પડશે. તેમાંથી આખરી પસંદગી રીઝર્વ બેન્ક કરશે અત્યારે ચાલુ પદાધિકારીઓ માટે પણ બે માસમાં મંજુરી લેવાનું ફરજીયાત કરાયું છે.

100 કરોડથી વધુનો બિઝનેસ ધરાવતી બેંકોએ રિઝર્વ બેન્કની પ્રાદેશીક ઓફીસ તથા 1000 કરોડથી અધિકનો કારોબાર ધરાવતી બેંકોએ રિઝર્વ બેન્કની હેડ ઓફીસથી મંજુરી લેવી પડશે. સહકારી બેંકોમાં ખાસ કરીને મેનેજીંગ ડાયરેકટરનાં પદ રાજકીય જ હોય છે જેને પગલે અનેક બેંકોને અસર થવાની આશંકા છે. રાજકોટમાં નાગરીક બેંક, રાજબેંક, આરસીસી બેંક, સીટીઝન બેંક, જીવન બેંક, ધરતી બેંક, પાર્શ્વનાથ બેંક, સહીત ડઝન જેટલી બેંકો છે. આમાંથી કેટલી બેંકોને અસર થાય છે તેની ગણતરી થવા લાગી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો