જામનગર: ACB એ છટકું ગોઠવ્યું, ડ્રાઇવર પીએસઆઇ વતી લાંચ લેતા રંગે હાથે ઝડપાયો, PSI ફરાર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-06-2021

જામનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં લાંચ રુશવત વિરોધી બ્યુરોએ છટકું ગોઠવી મહિલા પીએસઆઇના ડ્રાઈવર લાંચ લેતા રંગેહાથે ઝડપાઇ ગયા છે, જ્યારે મહિલા પીએસઆઇ ભાગી છૂટયા હતા.જામનગરમાં મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી એસીબીની ટ્રેપમાં રંગે હાથે ઝડપાઇ ગયા છે. જ્યારે મહિલા પી.એસ.આઈ. ફરાર થઈ ગયા હતા.

જામનગરમાં મહિલા પોલીસ સ્ટેશનના વર્ગ-3ના મહિલા PSI યુ.આર.ભટ્ટ દ્વારા એક વ્યક્તિ પાસે તેની સાળીને કોઈ વ્યક્તિ ભગાડી ગયો હતો.જેની તપાસ દરમ્યાન તેના ખર્ચ માટે 5000ની માંગણી કરી હતી.જે અંગે લાંચ રૂશ્વત વિરોધી શાખામાં ફરિયાદ કરવામાં આવતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના એ.સી.બી.ના પોલીસ સબ ઇન્સપેક્ટર એ. ડી. પરમારે સ્ટાફ સાથે છટકું ગોઠવ્યું હતું.

આ છટકામાં મહિલા PSI યુ.આર.ભટ્ટ વતી મહિલા પોલીસ સ્ટેશનના લોકરક્ષક દળના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા દિવ્યરાજસિંહ ભરતસિંહ ઝાલાને લાંચની માંગણીની રકમ પાંચ હજાર સ્વીકારતા જ ઝડપી પાડવામાં આવ્યો હતો. લાંચ પેટે સ્વીકારેલ પાંચ હજાર રૂપિયાની રિકવરી પણ કરી હતી.

જામનગરમાં એસ.પી. કચેરી અને સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક જ આવેલા મહિલા પોલીસ સ્ટેશનમાં ACBની રેઇડથી પોલીસ બેડામાં ભારે ચર્ચા જોવા મળી હતી. આ સમગ્ર પ્રકરણની વિગતો અનુસાર ફરીયાદીના સાળીને કોઈ શખ્સ ભગાડીને લઇ ગયેલ અને તેની તપાસ જામનગર મહિલા પોલીસ સ્ટેશનમાં PSI દ્વારા ચલાવવામાં આવતી હતી.

જેથી  પોલીસ સ્ટેશન ખાતે અવાર નવાર બોલાવી ફરિયાદી પાસે તેમની સાળીના કેસની વ્યવસ્થિત તપાસ કરેલ તેના ખર્ચા પેટે રૂ.૫૦૦૦/- ની લાંચની માંગણી કરવામાં આવી હતી. જે આવી લાંચની રકમ આપવા માંગતા ન હોય ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા, ફરિયાદીની ફરિયાદ આધારે એસીબીએ લાંચનું છટકું ગોઠવતા, મહિલા પીએસઆઈએ ફરિયાદીને લાંચના રૂ.5000/- તેના ડ્રાઈવરને આપવા માટે કહેવામાં આવ્યું હતું અને ફરિયાદી પાસે લાંચની રકમ લેવા જતા રંગેહાથ ડ્રાઇવર ઝડપાઇ ગયો હતો.

જોકે, આ દરમિયાન મહિલા પીએસઆઇ ભટ્ટ ભાગી છૂટયા હતા. જેથી એસીબીની ટુકડીએ મહિલા પીએસઆઈને ઝડપવા માટે પોલીસ સ્ટેશન ઉપરાંત તેના રહેણાંક મકાને અને અન્ય સ્થળોએ તપાસ હાથ ધરતા તેઓ મળી આવ્યા નથી જેને ઝડપવા માટે હાલ ચક્રો ગતિમાન કર્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો