રાજ્યમાં કોરોનાના ડેલ્ટા+ વેરિએન્ટના બે કેસ નોંધાયા, વડોદરા-સુરતમાં એન્ટ્રી, દેશમાં 48 કેસ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-06-2021

જેની ચિંતા સૌને સતાવી રહી છે એવા કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના નવા કેસ અંગે આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે વિગતો આપી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે નવી દિલ્હી ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જે આંકડો આપ્યો તે ગુજરાત માટે આડકતરી રીતે ચિંતાજનક છે. દેશમાં અત્યારસુધીમાં કોરોનાના ડેલ્ટાપ્લસ વેરિએન્ટના 48 નવા કેસ નોંધાયા છે જે પૈકીના 2 દર્દી ગુજરાતના હોવાનું સામે આવ્યું છે. જોકે, ચિંતાની સામે સારી વાત એ પણ છે કે આ બંને દર્દી સાજા થઈ ગઈ છે. આ બંને કેસમાંથી એક સુરત અને એક વડોદરાનો હોવાનું સામે આવ્યું છે.

કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રલાયના સચિવોની પત્રકાર પરિષદમાં આ માહિતી સામે આવી કે દેશના કુલ 18 જિલ્લામાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 48 કેસ સામે આવ્યા છે. બીજી લહેરની સામે માંડ માંડ ઊભા થઈ રહેલા મહાષ્ટ્રમાં ડેલ્ટાપ્લસના સૌથી વધુ 20 કેસ નોંધાયા છે જ્યારે આ વેરિએન્ટના દર્દીનું પ્રથમ મોત પણ મહારાષ્ટ્રમાં જ થતા અનલૉકના નિયમોમાં કડકાઈ વર્તી દેવામાં આવી છે.

મુંબઈમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના જે કેસ નોંધાયા છે તેમાં સુરતથી આવેલા બે વ્યક્તિ શામેલ હોવાની માહિતી મહારાષ્ટ્ર સરકારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને આપી છે. આ સાથે જ સુરત માથે સંકટ વધી ગયું છે. આ વ્યક્તિઓ કોણ છે તેની ઓળખ જાહેર કરવામાં આવી નથી. મહારાષ્ટ્ર સરકારે તપાસ કરતા ડેલ્ટા પ્લસ વાયરસથી સંક્રમિત બંને વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી સુરતની જણાઈ હતી. મહારાષ્ટ્ર સરકાર પાસેથી માહિતી મળ્યા બાદ સુરતનું તંત્ર પણ દોડતું થયું છે.

ડેલ્ટા વેરિયન્ટ (B.1.617.2)નું મ્યુટેશન: નવો ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ ભારતમાં કોરોનાની બીજી લહેર પાછળ જવાબદાર ડેલ્ટા વેરિઅન્ટ (B.1.617.2)નું મ્યુટેશન છે. ભારત સિવાય ડેલ્ટા પ્લસ વિશ્વના અમેરિકા, યુકે, પોર્ટુગલ, સ્વિટ્ઝર્લન્ડ, જાપાન, પોલેન્ડ, નેપાળ, ચીન, રશિયામાં મળી આવ્યો હતો.

એઈમ્સના ડૉક્ટર શુભદીપ કર્માકરે જણાવ્યું હતું કે, ડેલ્ટા પ્લસમાં વધારાનો K417N મ્યુટન્ટ છે, જે ડેલ્ટા (B.1.617.2)ને ડેલ્ટા પ્લસમાં ફેરવે છે. આ મ્યુટેન્ટ વધુ ચેપી છે. તે આલ્ફા સંસ્કરણ કરતા 35-60% વધુ ચેપી છે, તેવી અટકળો ચાલતી હોવાનું તેમનું કહેવું છે. જોકે, ભારતમાં તેની સંખ્યા ઓછી છે. હજુ ચિંતાજનક નથી. સંક્રમણના કેસ ઓછા છે.

રસી કેટલીક અસરકારક:  હાલ રસી આ વેરિયન્ટ પર કેટલી અસરકારક છે તેવું વિજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે. જોકે, યુ.એસ.ના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના ભૂતપૂર્વ ડિરેક્ટરે cnbc.com સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ રસી પણ વેરિયન્ટ અસરકારક સાબિત થઈ શકે છે.

શા માટે ભારતનો ચિંતાનો વિષય?: આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે, ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ ભારતમાં ત્રીજી લહેરનું કારણ હોઈ શકે છે. આ વેરિયન્ટને રોગપ્રતિકારક શક્તિ રોકી શકે નહીં. ભારતમાં હાલ આ વેરિયન્ટની હાજરી ઓછી છે. દેશમાં હાલમાં ફક્ત ડેલ્ટા વેરિઅન્ટ જોવા મળે છે. જો કે, ખતરો વધી શકે તેવી દહેશત છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો