જમ્મુ કાશ્મીરને લઈને PM મોદીનું મોટું નિવેદન, કાશ્મીરી નેતાઓને આપી આ ખાતરી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-06-2021

પ્રધાનમંત્રીએ નેતાઓને કહ્યું કે નવા સીમાંકન બાદ વિધાનસભાની ચૂંટણી કરાવવામાં આવશે તેમણે નેતાઓને પણ ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થવાનો આગ્રહ કર્યો. સૂત્રોના જણાવ્યાનુસાર, પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણી વચ્ચે રાજકીય મતભેદ હશે પરંતુ બધાએ રાષ્ટ્રહિતમાં કામ કરવું જોઈએ જેથી કરીને જમ્મુ કાશ્મીરના લોકોને ફાયદો થાય. તેમણે આગ્રહપૂર્વક કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં તમામ માટે સુરક્ષા તથા સુરક્ષાનો માહોલ સુનિશ્ચિત કરવાની જરુર છે.

પીએમની બેઠકના મહત્વના મુદ્દા

– જમ્મુ કાશ્મીરના ઈતિહાસમાં પહેલી વાર બ્લોક લેવલની ચૂંટણીઓ થઈ

– જિલ્લા વિકાસ પરિષદ દ્વારા જમીની સ્તરની લોકશાહીની રચના થઈ

– પંચાયત અને લોકસભાની ચૂંટણીઓ કરતા ડીડીસીની ચૂંટણીમાં 51 ટકા વધારે મતદાન થયું

– 4483 સરપંચોમાંથી 3650 ની ચૂંટણી થઈ

– પંચાયતોને 3,000 કરોડનું ફંડ વાપરવાની સત્તા આપી

– જમ્મુ કાશ્મીરમાં વેક્સિનેશન અભિયાન વધારે સરળ રહ્યું

– રાજ્યમાં લોકશાહીની બહાલી કેવી રીતે થઈ શકે તેની પર સરકારનું ધ્યાન

પૂર્ણ રાજ્યનો દરજ્જો બહાલ કરવાની ખાતરી આપી

જમ્મુ કાશ્મીરના પૂર્વ ડેપ્યુટી સીએમ અને ભાજપ નેતા કવિન્દર ગુપ્તાએ જણાવ્યું કે સરકારે અમને જમ્મુ કાશ્મીરનો પૂર્ણ રાજ્યનો દરજ્જો જલદીથી બહાલ કરવાની ખાતરી આપી છે. લાગે છે કે સીમાંકન બાદ જલદીથી ચૂંટણી થશે. તમામ નેતા સામાન્ય ચૂંટણીઓ ઈચ્છે છે. મોદીએ અમને ભરોસો આપ્યો કે કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરના વિકાસ પર કામ કરતી રહેશે.

કોંગ્રેસ રજૂ કરી આ 5 માંગ

બેઠક બાદ કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે જણાવ્યું કે અમે સરકાર સમક્ષ 5 માંગ કરી છે.

– સત્વરે જમ્મુ કાશ્મીરનો પૂર્ણ રાજ્યનો દરજ્જો બહાલ કરવામાં આવે.

– વિધાનસભાની ચૂંટણીઓ તત્કાળ થવી જોઈએ.

– અમારી જમીનની ગેરન્ટી મળે અને રોજગારીની સુવિધા અમારી પાસે રહેવી જોઈએ.

– 30 વર્ષથી બહાર રહેલા કાશ્મીરી પંડિતોને રાજ્યમાં લાવીને તેમનું પુનઃવસન કરવામાં આવે.

– 5 ઓગસ્ટે રાજ્યને બે હિસ્સામાં વહેંચી નખાયું, અમે તેનો વિરોધ કર્યો.

બેઠકના 3 કલાક પહેલાં અમિત શાહ વડાપ્રધાન મોદીના ઘરે પહોંચ્યા હતા. અહીં મીટિંગના એજન્ડા વિશે ચર્ચા કરવામાં આવી હતી. એ ઉપરાંત પીએમની બેઠક પહેલાં કાશ્મીરના નેતાઓ સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટી મુખ્યાલયમાં મહત્ત્વની મુલાકાત કરી હતી. આ બેઠકમાં રવીન્દ્ર રૈના, કવીન્દ્ર ગુપ્તા, નિર્મલ સિંહ અને મંત્રી જિતેન્દ્ર સિંહ સામેલ હતા.

મીટિંગમાં આ લોકો પણ સામેલ

નિર્મલ સિંહ: BJP નેતા ડૉ. નિર્મલ કુમાર સિંહ પૂર્ણ રાજ્ય રહ્યું તે દરમિયાન જમ્મુ અને કાશ્મીર વિધાનસભાના અંતિમ અધ્યક્ષ હતા. તેઓ જમ્મુ-કાશ્મીરના પૂર્વ ઉપમુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે.

એમ.વાય. તારિગામી: CPIના નેતા મોહમ્મદ યુસુફ તારિગામી પીપુલ્સ અલાયન્સના સંયોજક અને પ્રવક્તા છે. તારિગામી 1996, 2002, 2008 અને 2014માં કુલગામથી ધારાસભ્ય ચૂંટાયા હતા.

ગુલામ અહમદ મીર: કોંગ્રસે નેતા ગુલામ અહમદ મીર દુરુ વિધાનસભા વિસ્તારમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ જમ્મુ-કાશ્મીર રાજ્ય કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ છે. 2019ના લોકસભા ચૂંટણીમાં હારી ગયા હતા.

તારા ચંદ: રાજ્યના કોંગ્રેસના સીનિયર નેતા તારા ચંદ 2009થી 2014 સુધી જમ્મુ અને કાશ્મીરમા ઉપમુખ્યમંત્રી રહ્યા છે. તેઓ વિધાનસભાના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

ભીમ સિંહ: ભીમ સિંહ જમ્મુ અને કાશ્મીર નેશનલ પેન્થર્સ પાર્ટી (JKNPP)ના સંસ્થાપક છે. ભીમ સિંહ 30 વર્ષ સુધી પેન્થર્સ પાર્ટીના અધ્યક્ષ રહ્યા છે. 2012માં તેમણે તેમના ભત્રીજાને આ જવાબદારી સોંપી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો