રાત્રિ કર્ફ્યુ તથા વેપારધંધામાં 1-1 કલાકની છૂટ મળશે!

કોરોના નિયંત્રણોમાં વધુ કેટલી છૂટછાટ આપવી? રાજય સરકારે પરામર્શ શરૂ કર્યો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-06-2021

ધો.9થી12ના કોચીંગ કલાસ માટે મંજુરી મળવાની સંભાવના: સરકાર કર્ફ્યુ ઉઠાવવાના મૂડમાં નથી, થોડી વધુ રાહત આપી શકે છે: એકાદ દિવસમાં નિર્ણય

રાજયમાં કોરોના સંક્રમણ ઘણાઅંશે કાબુમાં આવી ગયું છે. ત્યારે સરકાર દ્વારા નિયંત્રણોમાં વધુ છૂટછાટો જાહેર કરવામાં આવે તેની સંભાવના છે. કરફયુ તથા વેપારધંધા માટે વધુ એક-એક કલાકની છૂટ્ટ આપવામાં આવે. ઉપરાંત ધો.9થી12ના વિદ્યાર્થીઓ માટે કોચીંગ કલાસીનને પણ મંજુરી આપવામાં આવે તેવી શકયતા છે.ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ખતરનાક સ્તરે પહોંચ્યાને પગલે ગત એપ્રિલમાં રાજય સરકારે વેપારધંધા સહિતના ક્ષેત્રે અનેકવિધ નિયંત્રણો લાગુ પાડવામાં આવ્યા હતા. 36 શહેરોમાં રાત્રી કરફયુ પણ અમલી બનાવવામાં આવ્યો હતો. સંક્રમણમાં રાહત મળવા લાગતા વેપારધંધા સહિતની પ્રવૃતિઓમાં તબકકાવાર છૂટછાટ આપવાનું શરુ કરાયુ હતું. 26 જૂન સુધી અમલી વર્તમાન નિયંત્રણો અંતર્ગત આવશ્યક સિવાયના વેપારધંધાને સવારે 9થી સાંજે 7 વાગ્યાની છૂટ્ટ છે.

નાઈટ કરફયુ રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી અમલી છે. રેસ્ટોરાંમાં રાત્રે 9 વાગ્યા સુધી પાર્સલ તથા રાત્રે 12 વાગ્યા સુધી હોમડીલીવરીની છૂટ્ટ છે. હવે 26મી પછી લાગુ રહેનારા નિયંત્રણો વિશે રાજય સરકારે વિચારણા શરુ કરી છે. છેલ્લા પખવાડીયા દરમ્યાન કોરોનાના દૈનિક કેસોમાં મોટો ઘટોડો થઈ ગયો છે. એકપણ શહેરમાં 50થી વધુ કેસ નોંધાતા નથી ત્યારે હવે વધુ કેટલી છૂટછાટ આપવી તે દીશામાં પરામર્શ શરુ કરાયો છે.

રાજય સરકારના વિશ્વાસપાત્ર સૂત્રોએ જણાવ્યું છે કે સરકાર વધુ છૂટછાટ આપશે તે નિશ્ર્ચિત છે કેટલા પ્રમાણમાં છુટ્ટ આપવી તેનો આખરી નિર્ણય લેવાશે. સરકાર નાઈટ કરફયુ સંપૂર્ણ ઉઠાવી લેવાના મૂડમાં નથી. પરંતુ એકાદ-બે કલાકની રાહત આપી શકે છે અત્યારે રાત્રે 9 વાગ્યાથી નાઈટ કરફયુનો અમલ થાય છે. તે 10 વાગ્યાથી થવાની સંભાવના છે. આજ રીતે વેપારધંધાને પણ એક કલાકની રાહત મળી શકે છે. સાંજે સાતને બદલે આઠ વાગ્યા સુધી દુકાનો-વેપારધંધા ખુલ્લા રાખવાની છૂટ્ટ આપવામાં આવે તેવી શકયતા છે.

આ સિવાય ધો.9થી12ના વિદ્યાર્થીઓ માટે કોચીંગ કલાસની છૂટ્ટ આપવાની દિશામાં પણ સક્રીય વિચારણા શરુ કરવામાં આવી છે. અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવી રહી છે ત્યારે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના કોચીંગ ટયુશન કલાસની મંજુરી મળી શકે છે. જીમને અગાઉ જ મંજુરી આપી દેવામાં આવી હતી. હવે સ્વીમીંગ પુલ ને પણ છૂટ્ટ મળી શકે છે. રાજય સરકાર દ્વારા નવા તબકકામાં વધુ કેટલીક છૂટછાટો આપવામાં આવે છે તેના પર આમઆદમીથી માંડીને વેપારીવર્ગની નજર છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો