રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનનો ભવ્ય વિદાય સમારોહ યોજાયો , પદભાર સાંભળતા નવા DM અરુણ મહેશ બાબુનું ઉષ્માભર્યું સ્વાગત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-06-2021

(હિતેન સોની  દ્વારા) રાજકોટ ખાતેથી વિદાય લેતા કલેકટર રેમ્યા મોહનને ઉષ્માસભર વિદાયમાન અપાયું હતું. અને તેમના સ્થાને આવેલા કલેકટર અરૂણકુમાર બાબુને માનભર્યો આવકાર પાઠવવામાં આવ્યો હતો. કલેકટર રેમ્યા મોહનની કોરોના દરમ્યાન કામગીરી ખૂબ જ પ્રશંસનીય રહી હતી જેથી તમામ કર્મચારીઓ અને અધિકારીઓ રેમ્યા મોહનને ચાર્જ છોડતા સમયે સન્માનપૂર્વક પુષ્પવર્ષા તથા કેપ્ટન જયદેવ જોષી તથા એકસ આર્મીમેનના જૂથે બેન્ડના સથવારે વિદાય આપી હતી. આ ઉપરાંત તેમની ઇનોવા ગાડીને પણ પુષ્પોથી શણગાર કરવામાં આવ્યો હતો. અધિક નિવાસી કલેકટર પરિમલ પંડ્યા સહિતના અધિકારીઓએ ‘રસા પરેડ’ મારફત ગાડી ખેંચી તેમને માનપૂર્વક વિદાય આપી છે.

નિવાસી અધિક કલેકટર પરિમલ પંડયા, પ્રાંત અધિકારીઓ ચરણસિંહ ગોહિલ, વીરેન્દ્ર દેસાઇ અને સિધ્ધાર્થ ગઢવી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.પટેલ, પુરવઠા અધિકારી પુજા બાવડા, ચૂંટણી અધિકારી ધાધલ, તથા કલેકટર કચેરીના સમગ્ર સ્ટાફે કચેરીને ફૂલો અને રંગબેરંગી ફુગ્ગાઓથી શણગારી હતી અને ઉષ્માભર્યા વાતાવરણમાં કલેકટર રેમ્યા મોહનને વિદાય આપી હતી. અને નવા વરાયેલા કલેકટર અરૂણકુમાર બાબુને તાળીઓના ગડગડાટ સાથે આવકાર્યા હતા. અરૂણકુમારે આજે રેમ્યા મોહન પાસેથી રાજકોટ કલેકટર તરીકેનો પદભાર સંભાળ્યો હતો. અને રાજકોટના વિકાસ માટેના તમામ કામોને પ્રથમ પ્રાથમિકતા આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

રાજકોટ જિલ્લા કલેકટર તરીકે મૂકાયેલા અમદાવાદના ડીડીઓ અરૂણ મહેશ બાબુએ આજે સાંજે રાજકોટ આવી પહોંચી પોતાના નવા હોદા જિલ્લા કલેકટરનો ચાર્જ સંભાળી લીધો છે. નવા જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ સાંજ સમાચાર સાથેની વાતચીતમાાં જણાવ્યું હતું કે રાજકોટ સાથે તેઓનો જુનો નાતો છે. જુની યાદો પુન: જીવીત થશે. અહીં એ ઉલ્લેખનીય છે કે અરૂણ મહેશ બાબુ વર્ષ 2017માં રાજકોટ મહાનગરપાલિકામાં ડે.કમિશ્નર તરીકે મૂકાયા હતા. તેઓએ મહાનગરપાલિકામાં સવા વર્ષ સુધી કામગીરી કરી હતી. ત્યારબાદ તેઓની બદલી અમદાવાદ ખાતે થયેલી હતી.

હવે રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનની ગાંધીનગર ખાતે નેશનલ હેલ્થ મિશનના ડીરેકટર તરીકે બદલી થતા તેમના સ્થાને મુકાયેલા અમદાવાદના ડીડીઓ અરૂણ મહેશ બાબુએ આજે સાંજે રાજકોટ આવી પહોંચી જિલ્લા કલેકટરનો ચાર્જ સંભાળી લીધો છે. જયારે જિલ્લા કલેકટર રેમ્યા મોહને પોતાનો ચાર્જ છોડયો છે. રેમ્યા મોહન આવતીકાલે ગુરૂવારે ગાંધીનગર ખાતે હેલ્થ મિશનના ડીરેકટરનો ચાર્જ સંભાળનાર છે. આજે દિવસભર જિલ્લા કલેકટર કચેરીમાં કલેકટર રેમ્યા મોહનને શુભેચ્છા આપવા માટે મુલાકાતીઓનો ઘસારો રહ્યો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

રસા પરેડ દ્વારા કલેક્ટર રેમ્યા મોહનને વિદાય સન્માન અપાયું