ગુજરાતમાં ઈલેક્ટ્રીક વાહનો પર દોઢ લાખ રૂપિયા સુધીની સબસિડી સાથે મહત્વની જાહેરાત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-06-2021

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અને તેની પર્યાવરણ પર થતી અસરના કારણે હવે લોકો ઈલેક્ટ્રીક વાહનો તરફ વળી રહ્યા છે. જોકે, ઈલેક્ટ્રીક વાહન માટે થતો ખર્ચ વધુ હોવાથી ગ્રાહકો પાછી પાની કરે છે. આવામાં ગુજરાત સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ઈલેક્ટ્રીક વાહન ખરીદવા ખરીદવા ઈચ્છતા લોકોને ફાયદો થશે.

આગામી 4 વર્ષમાં રાજ્યમાં 2 લાખ ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ કરવામાં આવે તેવા લક્ષ્ય સાથે ગુજરાત ઈલેક્ટ્રીક વ્હીકલ પોલિસી-2021 અંગે રુપાણી સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ પોલિસીમાં કેટલીક ખાસ વિશેષતાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે જેથી લોકો પેટ્રોલ-ડિઝલના એન્જિન ધરાવતા વાહનોના બદલે ઈલેક્ટ્રીક વાહનો ખરીદવા માટે આગળ આવે.

ઈલેક્ટ્રીક વાહનો ગુજરાતની પ્રજાને સસ્તા પડે તે માટે જરુરી સાધન-સામગ્રીઓનું મેન્યુફેક્ચરિંગ હબ ગુજરાત બને, ઈલેક્ટ્રીક મોબિલિટી ક્ષેત્રમાં યુવાનો સ્ટાર્ટઅપ રોકાણકારોને પ્રોત્સાહિત કરવા, વાહનોના પ્રદૂષ્ણથી પર્યાવરણને થતા નુકસાન પર કાપ મૂકવો જેવા મુદ્દાઓને સમાવવામાં આવ્યા છે.

લોકો ઈલેક્ટ્રીક વાહનોની ખરીદી માટે આગળ આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઈલેક્ટ્રીક વાહનોની ખરીદી માટે કિલોવોટ દિઠ રૂપિયા 10,000ની સબસિડી આપવાની જાહેરાત કરાઈ છે. આ સબસિટી બાકી રાજ્યોની સરખામણીમાં બમણી હોવાનું સરકાર જણાવી રહી છે. આ સબસિટી માટે રાજ્ય સરકાર 4 વર્ષમાં 870 કરોડનો બોજ વહન કરશે જેનાથી નાગરિકોને ફાયદો થાય.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, રાજ્યમાં ઇલેકટ્રીક ટુ વ્હીલર ખરીદનાર વ્યક્તિને 20 હજાર રૂપિયા સુધીની સબસિડીનું પ્રોત્સાહન મળશે તે જ રીતે થ્રી વ્હીલર માટે 50 હજાર સુધી અને ફોર વ્હીલર માટે રૂપિયા 1 લાખ 50 હજાર સુધીનું પ્રોત્સાહન અપાશે

. આ સબસિડીનો લાભ 1.50 લાખ સુધીની કિંમતના ટુ વ્હીલર, 5 લાખ સુધીની કિંમતના થ્રી વ્હીલર અને 15 લાખ સુધીની કિંમતના ફોર વ્હીલરને મળવાપાત્ર થશે.

આ સબસિડીની રકમ અરજકરતાના બેંક અકાઉન્ટમાં આપવામાં આવશે. ઝડપથી સબસિડી મળી જાય તે પણ સુનિશ્ચિત કરવામાં આવશે.

આવી સબસિડી માટે પ્રાયવેટ કે કોમર્શીયલ વાહન કોઈ પણ વાહનનો પ્રકાર ધ્યાનમાં લીધા સિવાય અને ગુજરાતના RTO દ્વારા પાસ થયેલા વાહનોને મોટર નોંધણી ફીમાંથી 100% મુક્તિ આપવામાં આવશે તેવી મહત્વપૂર્ણ જોગવાઇ પણ આ પોલિસીમાં રાખવામાં આવેલી છે તેવું સીએમ રુપાણીએ જણાવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, ભારત સરકાર ઇલેકટ્રીક વ્હીકલ પ્રોત્સાહન યોજના (ફ્રેમ-2) અન્વયે વાહન ખરીદનારને જુદા જુદા પ્રોત્સાહનો આપે છે. ગુજરાત સરકાર દ્વારા જે સબસિડી અપાશે તે ભારત સરકારની આ યોજના ઉપરાંત આપવામાં આવશે.

વાહનની બેટરી ચાર્જિંગ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા વિકસાવવા અંગેની બાબતને પણ પોલિસીમાં સાંકળી લેવાઈ છે.

તેમણે આ અંગે જણાવ્યું છે કે, ભારત સરકારની ઈલેકટ્રીક વ્હીકલ પ્રોત્સાહન યોજના (ફ્રેમ-ર) અન્વયે રાજ્યમાં 278 જેટલા ચાર્જીંગ સ્ટેશન મંજૂર થયેલા છે. રાજ્ય સરકાર આ ઉપરાંત વધુ 250 ચાર્જીંગ સ્ટેશન ઊભા કરવા રૂપિયા 10 લાખની મર્યાદામાં 25% જેટલી કેપિટલ સબસિડી પૂરી પાડશે. આમ, આગામી વર્ષોમાં સમગ્ર રાજ્યમાં 528 જેટલા ચાર્જીંગ સ્ટેશનનું નેટવર્ક ઊભું થશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો