સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનો જવાબ: કોરોનાથી જીવ ગુમાવનારના પરિવારોને નહીં મળે ચાર લાખનું વળતર

કેન્દ્ર અને રાજ્ય સરકારોની તિજોરી ઉપર પહેલાથી જ ભારે દબાણ છે, જો સહાય ચુકવીશું તો રાહત કોષની તમામ રકમ તેમાં જ ખર્ચ થઈ જશે : કોર્ટમાં કેન્દ્રનું સોગંદનામું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-06-2021

ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ મૃતકોના પરિજનો વળતર મેળવવાના હકદાર છે તેવી અરજી એડવોકેટ ગૌરવ બંસલ અને રિપક કંસલ દ્વારા કરાઈ છે : વધુ સુનાવણી સોમવારે

કોરોનાથી મૃત્યુ પામનારના પરિવારને રૂ.4 લાખની સહાય સરકાર ચૂકવે તેવી માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ થઈ હતી. જે અંગે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે, કોરોના વાયરસના કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોના પરિવારોને રૂ.4 લાખનું વળતર આપવું શક્ય નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારોની તિજોરી ઉપર પહેલાથી જ ભારે દબાણ છે, જો સહાય ચુકવીશું તો રાહત કોષની તમામ રકમ તેમાં જ ખર્ચ થઈ જશે. આ અંગે કેન્દ્ર સરકારે કોર્ટમાં સોગંદનામું પણ રજૂ કર્યું છે.

કેન્દ્રએ કહ્યું હતું કે કોવિડ -19થી મૃત્યુ પામનાર પ્રત્યેક વ્યક્તિના પરિજનોને રૂ.4 લાખનું વળતર આપી શકાતું નથી, કારણ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં ફક્ત ભૂકંપ, પૂર વગેરે કુદરતી આફતોના વળતરની જોગવાઈ છે. સરકારે વધુમાં કહ્યું કે જો એક રોગને લીધે મૃત્યુ પર વળતરની રકમ આપવામાં આવે છે અને બીજા રોગમાં નહીં, તો તે સંપૂર્ણપણે ખોટું હશે.

તો એસડીઆરએફનું તમામ ભંડોળ ફક્ત વળતરમાં ખર્ચ થઈ જશે:  કેન્દ્ર સરકારે કહ્યું કે સરકારી સંસાધનોની મર્યાદા છે. કેન્દ્રએ એમ પણ કહ્યું છે કે જો આ રીતે વળતર આપવામાં આવે છે, તો રાજ્ય આપત્તિ રાહત ભંડોળ (એસડીઆરએફ) માટે વર્ષ 2021-22 માટે ફાળવવામાં આવેલી 22184 કરોડની રકમ વળતર પાછળ જ ખર્ચ થઈ જશે. જો એમ કરીશું તો મહામારી સામેની લડતમાં જે રકમ ઉપયોગ કરીએ છીએ તે પણ પ્રભાવિત થશે. ચાર લાખની સહાય રાજ્ય સરકારોની આર્થિક ક્ષમતાથી પરે છે. રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારના નાણાં ઉપર પહેલાથી જ ભારે દબાણ છે. ઉલ્લેખનિય છે કે, આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં કોરોના વાયરસને લીધે રોગચાળાની શરૂઆતથી અત્યાર સુધીમાં લગભગ ચાર લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે.

કોવિડ -19 રોગચાળા દ્વારા મૃત્યુ પામનાર લોકોના પરિવારજનોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ 4 લાખ રૂપિયા વળતરની માંગ કરતી એડવોકેટ ગૌરવ બંસલ અને રિપક કંસલ દ્વારા દાખલ અરજીઓ પર કેન્દ્ર સરકારે આ જવાબ આપ્યો છે. સુપ્રીમ કોર્ટ સોમવારે આ મામલે વધુ સુનાવણી કરશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો