ગૂગલની વર્કસ્પેસ સર્વિસ ફ્રી થઈ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-06-2021

ગયા વર્ષે કોરોનાનો પ્રસાર શરૂ થયો ત્યારે, લગભગ એક ઝાટકે આખી દુનિયાએ તેની કામકાજની વર્ષો જૂની પદ્ધતિ બદલીને ‘વર્ક-ફ્રોમ-હોમ’નો કન્સેપ્ટ ધરાર અપનાવવો પડ્યો. એ પછી હવે આપણે કોરાના સાથે જીવતાં ટેવાવા લાગ્યા છીએ, ઓફિસિસ ફરી ખૂલી ગઈ છે એટલે હવે ‘હાઇબ્રિડ’ વર્ક કલ્ચર તરફ દુનિયા વળવા લાગી છે, એટલે કે અનિવાર્ય હોય એટલા લોકો ઓફિસમાંથી કામ કરે અને બાકીના લોકો, શક્ય હોય ત્યાં સુધી ઘરેથી જ કામ કરે.આ કારણે ટેકનોલોજી કંપનીઓ પોતાની વિવિધ સર્વિસમાં મોટા ફેરફાર કરવા લાગી છે. માઇક્રોસોફ્ટ કંપનીએ તેની ‘માઇક્રોસોફ્ટ ૩૬૫’ અને ‘ટીમ્સ’થી કોર્પોરેટ જગતમાં પોતાનું સ્થાન ખાસ્સું મજબૂત કર્યું છે. હવે તેનો સામનો કરવા માટે ગૂગલે એક બહુ મોટું પગલું ભર્યું છે – કંપનીએ તેની પેઇડ સર્વિસ તમામ ગૂગલ યૂઝર્સ માટે ફ્રી કરી દીધી છે!

તમે જાણતા હશો કે અત્યારે સુધી ગૂગલની વિવિધ સર્વિસનો બે પ્રકારે લાભ લઈ શકાતો હતો – એક, તદ્દન ફ્રી એકાઉન્ટ અને બીજું, પેઇડ એકાઉન્ટ. તમારું જીમેઇલ એકાઉન્ટ [email protected] પ્રકારનું હોય તો તે તમારું પર્સનલ ફ્રી ગૂગલ એકાઉન્ટ થયું. પરંતુ જો તમારી કંપની અગાઉની ‘જીસ્યૂટ’ અને હવેની ‘ગૂગલ વર્કસ્પેસ’ નામે ઓળખાતી પેઇડ સર્વિસનો લાભ લેતી હોય તો તમને [email protected] પ્રકારનું ઈ-મેઇલ એકાઉન્ટ મળ્યું હોઈ શકે, જે અંતે તમારા ફ્રી ગૂગલ એકાઉન્ટ જેવું જ હોય, પણ તેમાં વધારાના લાભ મળે.

ફ્રી પર્સનલ એકાઉન્ટ વ્યક્તિગત ઉપયોગ માટે હતું, જ્યારે પેઇડ વર્કસ્પેસ એકાઉન્ટ કંપનીની ટીમના ઉપયોગ માટે હતું. તેમાં ટીમવર્કને સહેલું બનાવે તેવાં ઘણાં ફીચર્સ હતાં.

ટીમવર્ક બાબતે માઇક્રોસોફ્ટ ટીમ્સ અને સ્લેક જેવી સર્વિસનો ઉપયોગ વધતો જોઈને ગૂગલે વર્કસ્પેસની મોટા ભાગની સર્વિસ ફ્રી કરી નાખી છે. તમે તમારા ફ્રી જીમેઇલમાં લોગ-ઇન થઈ, સેટિંગ્સમાં ચેટ એન્ડ મીટ શોધી, તેમાં ગૂગલ ચેટ ઓન કરી દો. (આ વિશે આપણે ‘ટેક્નોવર્લ્ડ’માં મે ૧૬ના અંકમાં વિગતવાર વાત કરી હતી). હવે તમને તમારા ફ્રી ગૂગલ એકાઉન્ટમાં પેઇડ વર્કસ્પેસનાં ફીચર્સ મફતમાં મળવા લાગશે. આ ફીચર્સ ગ્રૂપમાં કામકાજ કરવા માટે ઉપયોગી છે, જેનો લાભ હવે ફ્રી ગૂગલ એકાઉન્ટથી કામ ચલાવતા નાના બિઝનેઝસિસને પણ મળશે. અલબત્ત ગૂગલનું આ ઇન્ટિગ્રેશન હજી ખાસ્સું અટપટું છે એટલે તેનો લાભ લેવા માટે તમારી ટીમના લોકોએ ઘણી મહેનત કરવી પડશે!

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો