ગુજરાતમાં ભાજપના ગઢમાં ભંગાણ, આ વિસ્તારના 400થી વધુ કાર્યકર્તા AAPમાં જોડાઈ ગયા

divyabhaskar.co.in

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-06-2021

જુદા જુદા વિસ્તારોમાંથી ભાજપ સાથે છેડો ફાડીને ભાજપના કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી લીધો હતો. સુરત શહેરના અડાજણ અને રાંદેર વિસ્તારમાંથી 400થી વધારે ભાજપ કાર્યકર્તા આપ સાથે જોડાઈ ગયા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલના સુરતમાંથી છેલ્લા દોઢ મહિનામાં 1000 જેટલા ભાજપ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સુરતમાં અડાજણ અને રાંદેર વિસ્તારને ભાજપનો ગઢ માનવામાં આવે છે. પણ જુદી જુદી સોસાયટીના પ્રતિનિધિઓએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરતા ભાજપમાં અંદરખાને ખળભળાટ મચી ગયો હતો. જે વિસ્તારમાંથી આમ આદમી પાર્ટીનું સંગઠન નબળું હતું એ વિસ્તારમાં પણ હવે ધીમે ધીમે આમ આદમી પાર્ટી મજબુત બની રહી છે. ભાજપના કાર્યકર્તાઓ આપમાં જોડાઈ રહ્યા છે. પ્રાથમિક સુવિધા જે લોકોને યોગ્ય રીતે મળવી જોઈએ એ મળતી નથી. તેના કારણે સ્થાનિક કોલોનીઓમાં પણ ભાજપ સામે રોષ જોવા મળ્યો છે. આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની હાજરીમાં ભાજપના કેટલાક અગ્રણીઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

અડાજણ વિસ્તારની હિમગીરી સોસાયટીની બાહર ભાજપના વિરોધમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ વિસ્તાર સુરતના મેયર હેમાલી બોઘાવાલાનો છે. આ જ વિસ્તારમાંથી લોકોનો ભાજપ પ્રત્યે રોષ વધી રહ્યો છે. સુરત ભાજપ શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરાને આ અંગે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે, અમે કાર્યકર્તાઓને મળીશું અને એમની નારાજગી જાણવાનો પ્રયત્ન કરીશું. સમજાવવા પ્રયાસ કરીશું. જોકે, કોર્પોરેશનની ચૂંટણી બાદ ભાજપના કાર્યકર્તા અને પદાધિકારીઓ આપમાં જોડાયા છે એમને પરત લાવવા કોઈ પ્રયત્નો થયા નથી. 12 દિવસ પહેલા કામરેજ વિધાનસભાના મતવિસ્તારમાંથી 200 કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જાડાઈ ગયા હતા. જ્યારે મે મહિનામાં 300 જેટલા કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. જોકે, રાજ્યમાં અરવિંદ કેજરીવાલની અમદાવાદ મુલાકાત બાદ રાજકીય માહોલ એકાએક ગરમાયો છે. મોટાભાગના રાજકીય પક્ષો લોકોની નજીક જઈ રહ્યા છે. આ માહોલને ચૂંટણીની તૈયારી તરીકે જોવામાં આવે છે.

divyabhaskar.co.in

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો