121 તાલુકાઓમાં વાવણીજોગ વરસાદ પડી ગયો

આણંદમાં સવારે 4 કલાકમાં 7 ઈંચથી ચો-તરફ જળબંબોળ: નવસારીનાં ગણદેવીમાં 6 ઈંચ ખાબકયો: વલસાડ-પારડી પંથકમાં પાંચ-પાંચ ઈંચ: ઉમરગામ-ગારિયાધારમાં પણ 4 ઈંચથી પાણી પાણી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-06-2021

આણંદમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે.આ બે દિવસમાં મેહુલિયો અનરાધાર વરસી રહ્યો છે. હજુ પણ આકાશમાં ઘેરાયેલ કાળા ડિબાંગ વાદળો જાણે ધરતીને તરબોળ કરવા તૈયાર હોય તેમ જણાઇ રહ્યા છે. શુક્રવારે સવારે આણંદમાં જાણે કે આભ ફાટ્યું હોય તેમ સવારે 6થી 10 વાગ્યા સુધીના 4 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેમાં 6થી 8 વાગ્યા સુધીમાં 5 ઇંચ અને 8થી 10 વાગ્યા સુધીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા છે અને રસ્તાઓ પર જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. બુધવાર રાત્રેથી શુક્રવાર સવાર સુધીમાં આણંદ તાલુકામાં 13 ઇંચ જેટલો અધધ વરસાદ ખાબકી ચુક્યો છે. આણંદમાં વરસાદે મહેર કરી છે. દિવસભરના ભારે બફાટ બાદ પવન સાથે ખબકેલા ભારે વરસાદથી વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી છે. વરસાદના આગમને જ આણંદના નીચાંણવાળા વિસ્તારમાં પાણી ભરાતા નાગરિકોને ભારે હાલાકી ઉભી થઇ છે.

નેઋત્યનું ચોમાસું ધીમે-ધીમે આગળ વધતાં સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં 121 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીના ગણદેવીમાં 6 ઈંચ વરસાદ પડ્યો છે. વલસાડ અને પારડીમાં 5-5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ઉમરગામ અને ગારિયાધારમાં 4-4 ઈંચ વરસાદ, ભાવનગર, વડગામ, સુરત શહેરમાં 3-3 ઈંચ, નવસારી, જલાલપોર, ખેરગામમાં 3-3 ઈંચ વરસાદ નોંધાયો છે. 6 તાલુકામાં બેથી અઢી ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે 18 તાલુકામાં એકથી બે ઈંચ વરસાદ નોઁધાયો છે.

આજે સુરત શહેરમાં પણ સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સુરત શહેરના રાંદેર, ખટોદરા, લીંબાયત, કાપોદ્રા, ભાગળ, અડાજણ, મજૂરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ભર વરસાદમાં મજુરા વિસ્તાર ખાતે તબીબોએ વોલીબોલની રમત એન્જોય કરી હતી. આજે સવારથી સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં લોકો ખુશખુશાલ થયા છે.

નેઋત્યનું ચોમાસું ધીમે-ધીમે આગળ વધતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ પર મેઘરાજાએ હેત વરસાવ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે અડધાથી પોણા છ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. કચ્છ અને વડોદરામાં દોઢ ઈંચ પાણી પડયું છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ભારે ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

ગુરુવારે સવારથી જ નવસારી અને વલસાડમાં મેઘરાજાએ ધૂંઆધાર બેટિંગ કરી હતી. દિવસ દરમિયાન નવસારીના ગણદેવીમાં પોણા છ ઇંચ, જલાલપોરમાં સાડા ત્રણ ઇંચ, નવસારીમાં સાડા ત્રણ ઈંચ, ખેરગામમાં સવા ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે વલસાડમાં બપોરે 2 કલાકમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો. સુરતમાં એક ઇંચ વરસાદ પડયો હતો. હવામાન વિભાગે આગામી ચાર દિવસ પવનની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

વડોદરામાં બપોરે 86 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન સાથે દોઢ ઈંચ વરસાદ પડયો હતો. કારેલીબાગમાં તોતિંગ ગેન્ટ્રી તૂટી પડી હતી. અન્ય બે સ્થળે પણ ગેન્ટ્રી નમી જતાં ત્રણ વાહનો દબાયા હતાં. શહેરમાં 200 જેટલા ઝાડ, અસંખ્ય હોર્ડિંગ્સ-બેનર્સ જમીનદોસ્ત થયા હતા.

ધરતીપુત્રો ખેતી લાયક વરસાદનો સમય થઈ ગયો હોવાથી ખેતરોમાં ખેતી કરવાની તૈયારી કરી વરસાદની રાહ જોતા હતા. દરમિયાન આજે ગુરૂવારે મેઘરાજાની પધરામણી કરતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો