હવે દેશભરમાં તમામ પ્રકારના વાહનો માટે બનશે એક સરખું પી.યુ.સી સર્ટીફીકેટ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-06-2021

નવા પીયુસી સર્ટીફીકેટમાં વાહન માલિકનો મોબાઇલ નંબર, નામ અને સરનામું, એન્જિન નંબર અને ચેસીસ નંબર હશે. કેન્દ્રીય રાજમાર્ગ અને પરિવહન મંત્રાલય (Road Transport and Highways Ministry) એ દેશભરના તમામ વાહનો માટે એ સરખા પીયુસી સર્ટીફીકેટ એટલે કે પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્રો બનાવવા અને પીયુસી ડેટાબેસને રાષ્ટ્રીય રજિસ્ટર સાથે જોડવાની સૂચના જાહેર કરી છે. મંત્રાલયે સેન્ટ્રલ મોટર વ્હિકલ્સ નિયમો 1989 માં ફેરફાર કર્યા છે. જે મૂજબ ક્યૂઆર કોડ પીયુસી સર્ટીફીકેટ પર છાપવામાં આવશે અને તેમાં વાહન, માલિક અને વાહન દ્વારા ઉત્સર્જનની સ્થિતિની વિગતો હશે. સરકારના આ પગલાથી દેશભરમાં એ સરખું પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર રજૂ કરવામાં આવશે.

દેશમાં પહેલી વાર રીજેકશન સ્લીપની જોગવાઈ: એક સમાન પી.યુ.સી સર્ટીફીકેટ (Uniform PUC Certificate) અંગે સરકારે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. આ માહિતી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પ્રથમ વખત રીજેકશન સ્લીપ (Rejection slip)ની જોગવાઈ કરવામાં આવી રહી છે. જો કોઈના વાહનનું પ્રદૂષણ સ્તર નિર્ધારિત ધોરણો કરતા વધારે હશે તો વાહનના માલિકને રીજેકશન સ્લીપ આપવામાં આવશે. વાહન માલિક આ સ્લિપ સર્વિસ સેન્ટર પર વાહનની સર્વિસ કરાવતી વખતે બતાવી શકે છે. જો પ્રદૂષણ માપવાનું મશીન ખામીયુક્ત હોય તો વાહન માલિક બીજા સર્વિસ સેન્ટર પર જઈ શકે છે. મોબાઇલ નંબર ફરજિયાત થયો નિવેદન મુજબ નવા પીયુસી સર્ટીફીકેટ (Uniform PUC Certificate) માં વાહન માલિકનો મોબાઇલ નંબર, નામ અને સરનામું, એન્જિન નંબર અને ચેસીસ નંબર હશે. નિવેદનમાં કહેવામાંઆવ્યું છે કે વાહન માલિકનો મોબાઇલ નંબર ફરજિયાત કરવામાં આવ્યો છે, જેના આધારે ચકાસણી અને ચાર્જ માટે એસએમએસ એલર્ટ મોકલવામાં આવશે. આ સાથે, વાહનની મહત્વપૂર્ણ માહિતીની ગુપ્તતા જાળવવામાં આવશે. આમાં ફક્ત છેલ્લા ચાર અંકો દેખાશે, એ સિવાયના અંકો દેખાશે નહીં.

વાહન માલિકને ક્યારે દંડ કરવામાં આવશે?: નવા પીયુસી (Uniform PUC Certificate) અંગે નિવેદનમાં જણાવ્યા મુજબ, જો મોટર એન્ફોર્સમેન્ટ ઓફિસરને એવું લાગે કે  જે તે વાહન દ્વારા વાહન ઉત્સર્જનના ધોરણોની જોગવાઈઓનું પાલન થઇ રહ્યું નથી, ત્યારે તે લેખિતમાં અથવા ઇલેક્ટ્રોનિક મોડ દ્વારા, ડ્રાઇવર અથવા વાહનના માલિકને કોઈ પણ અધિકૃત પીયુસી પરીક્ષણ સ્ટેશન પર વાહનનું પરીક્ષણ કરવાનું કહેશે. જો ડ્રાઈવર કે વાહન માલિક પીયુસી પરીક્ષણ નહિ કરાવે તો આ સ્થિતિમાં તેને દંડ ફટકારવામાં આવશે. એન્ફોર્સમેન્ટ ઓફિસર લેખિતમાં નોંધાયેલા કારણોસર, વાહન નોંધણીનું પ્રમાણપત્ર અને પીયુસી પ્રૂફ ન મળે ત્યાં સુધી કોઈપણ પરમિશનને સ્થગિત કરી શકશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો