ભારતમાં 80 ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરશે Google, 113 કરોડ રુપિયા દાન આપવાનું એલાન

ભારતના ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સુવિધા મજબૂત બનાવવા માટે Google એપોલો મેડિસ્કિલ્સ સાથે મળીને આરોગ્ય કર્મીઓને તાલીમ આપશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-06-2021

કોરોનાની બીજી લહેરના પ્રકોપ સામે ભારતની આરોગ્ય સેવા નબળી સાબિત થઇ ચૂકી છે. આ દરમિયાન ઓક્સિજનથી માંડી દવા, સારવારમાં જરુરી ઉપકરણોની અછત, અહીં સુધી કે હોસ્પિટલ્સમાં બેડની અછત જેવા સંકટો સામે આખો દેશ ત્રાહિમામ પોકારી ઉઠ્યો હતો. કોરોનાની સારવારમાં જરુરી ઓક્સિજનની ભારે અછતને લીધે દેશમાં મૃત્યુઆંક પણ વધ્યો હતો.

જોકે હવે પછી ઓક્સિજનની અછત કે અન્ય સ્થિતિ પેદા ન થાય એ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. જેમાં Googleએ ભારતને મદદ કરવાનો નિર્ણય લીધો છે. Googleએ અંગે જાહેરાત કરી છે કે, તેની અન્ય એક શાખા Google.org અલગ-અલગ સંસ્થાઓ સાથે મળીને ભારતમાં 80 ઓક્સિજન પ્લાન્ટ્સની સ્થાપના કરશે. ખાસ કરીને ભારતના ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય કર્મચારીઓના કૌશલ વિકાસમાં સહભાગી બનવા માટે કંપનીએ 113 કરોડ રુપિયા (1.55 કરોડ ડોલર) દાન કરવાનું એલાન કર્યું છે.

Google.org તેની જાહેરાત હેઠળ દેશમાં 80 ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવા માટે ગિવઇન્ડિયાને આશરે 90 કરોડ રુપિયા અને વિકાસ અર્થે આશરે 18.5 કરોડ રુપિયા દાન આપશે. આ સિવાય ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાને મજબૂત કરવા માટે એપોલો મેડિસ્કિલ્સ દ્વારા કોરોના સામેની જંગમાં 20,000 આરોગ્ય કાર્યકર્તાઓને તાલીમ આપવા પર ધ્યાન આપશે. આ માટે Google.org ભારતના 15 રાજ્યોમાં 1,80,000 આશા કાર્યકર્તાઓ અને 40,000 એએનએમ (ANM)ના સ્કિલ ડેવલેપ માટે 3.6 કરોડ રુપિયા દાન કરશે.

જોકે આ આખી પ્રણાલીમાં મદદ રુપ બનવા માટે Google દેશમાં કોલસેન્ટર પણ ઉભા કરશે; ઉલ્લેખનીય છે કે, Google પહેલા યૂનિસેફ (Unicef) એ પણ વૈશ્વિક મદદ હેઠળ ભારતમાં નવ ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવાની જાહેરાત કરી છે. જેની સાથે યૂનિસેફ ભારતને 4,500થી વધુ ઓક્સિજન કોન્સટ્રેટર અને 200 RT-PCR ટેસ્ટ મશીન પણ આપશે. યૂનિસેફ આ નવ ઓક્સિજન પ્લાન ગુજરાત, અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરાની હોસ્પિટલ્સમાં ઉભા કરવામાં આવી રહ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો