વિશ્વ યોગ દિવસે અમિત શાહ ગાંધીનગરમાંઃ વૃક્ષારોપણ કાર્યક્રમમાં આપશે વર્ચ્યુઅલ હાજરી

વિશ્વ યોગ દિન-ર૧ મી જૂને કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગાંધીનગરની મુલાકાતે આવી રહ્યા છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-06-2021

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આગામી તારીખ ર૧ જૂનના ગાંધીનગરમાં આવી રહ્યા છે. વિશ્વ યોગ દિવસના દિવસે ગાંધીનગર મહાનગરપાલિકા આયોજિત સેક્ટર ર૮ ની વસંતકુંવરબા હાઈસ્કૂલ પાછળના ખુલ્લા મેદાનમાં વૃક્ષારોપણના કાર્યક્રમમાં વર્ચ્યુઅલ હાજરી આપશે તેમજ સાંસદના આદર્શ ગામ તરીકે પસંદ કરેલા પાલ અને કોલવડા સાથે વેક્સિનેશનના કાર્યક્રમમાં વિશેષ હાજરી આપનાર છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી થોડીક ધીમી ચાલી રહી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં પહેલો ડોઝ લેનાર ૬.ર૧ લાખ લોકો છે. જ્યારે બીજો ભાગ લેનાર ૧.પ૧ લાખ લોકો છે. વેક્સિનેશનની ખૂબ જ ધીમી કામગીરીને લઈને સાંસદ અમિત શાહ ગ્રામ્ય વિસ્તારની મુલાકાતે જઈ રહ્યા છે.

આ પહેલા અમિત શાહ ગાંધીનગરની મુલાકાતે આવ્યા ત્યારે કોલવડા આયુર્વેદ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. તેમજ ગાંધીનગરમાં બારસો બેડની કોવિડ હોસ્પિટલ મહાત્મા મંદિરમાં નિર્માણની જાહેરાત કરી હતી. આ હોસ્પિટલ તૈયાર થઈ ગયા પછી તેવો ગાંધીનગર આવી રહ્યા છે. સંભવતઃ આ હોસ્પિટલની મુલાકાત કરે તેવી શક્યતા અત્યારે જોવાઈ રહી છે. સૂત્રોનું માનીએ તો કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને આ મુલાકાત દરમિયાન તેઓ જગન્નાથ મંદિરે દર્શન કરવા જવાની સાથે આગામી રથ યાત્રા અંગે પણ મહત્ત્વના સંકેતો આપી શકે છે. આ સિવાય તેઓ રાજકીય બેઠક પણ ખાનગી ધોરણે યોજે તેવી શક્યતા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો