પેટ્રોલ-ડીઝલ સસ્તાં કરશે રૂપાણી સરકાર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-06-2021

રાજ્યની રૂપાણી સરકારની ‘સંવેદનશીલતા’ કહો કે પાટીદાર-પ્લસ-આમ આદમી પાર્ટી ફેકટરનો પ્રભાવ, પણ રુપાણી સરકાર પેટ્રોલ-ડીઝલના વપરાશકારોનો ગુસ્સો શાંત કરવા જબરો આયામ વિચારી રહી છે. જાણકાર સૂત્રોના જણાવ્યાનુસાર રાજ્ય સરકાર પ્રેટ્રોલ-ડીઝલ પરનો 30 ટકા જેવો વેટ ઘટાડી લિટરે ચારે’ક રૂપિયા જેવી રાહત આપવા જઈ રહી છે. નોંધનીય છે કે 2017માં ચૂંટણીટાણે રાજ્ય સરકારે આ જ થિયરીથી ચારે’ક રૂપિયા ઘટાડ્યા હતા.

ગાંધીનગરના સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતોનુસાર રાજ્ય સરકાર પેટ્રોલ-ડીઝલ પર હાલમાં રૂપિયા 20 વેટ પેટે તેમજ રૂપિયા 4 શેષ (વધારાનો) એમ કુલ મળી 24 રૂપિયા વધુ લે છે. જોકે છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ-ડીઝલમાં સતત થઈ રહેલા ભાવવધારાથી પ્રજા ત્રાહિમામ છે અને અનાયાસે એ જનાક્રોશ ‘એન્ટી ઈન્કબન્સી’નું સ્વરુપ લેતો જાય છે. જેમાથી સરકાર ખૂબ ચિંતિત છે.

નોંધનીય છે કે છેલ્લા દોઢ મહિનાથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 25 દિવસમાં પેટ્રોલ પ્રતિ લિટર 6.09 રૂપિયા મોંઘુ થઈ ગયુ છે. હજુ ગઈકાલ સુધી પેટ્રોલની કિંમતના 29 પૈસા અને ડીઝલમાં 30 પૈસાનો વધારો થયો હતો. અમદાવાદમાં પેટ્રોલ 93.67 રૂપિયા અને ડીઝલ 94.30 રૂપિયે લિટર વેચાતુ થયુ છે. જ્યારે રાજકોટમાં અનુક્રમે 93.10 રૂપિયા અને 93.76 રૂપિયા ભાવ બોલાય છે.

સરકાર પોતિકી ચિંતા દૂર કરવા 2017ની ચૂંટણી ટાણે અજમાવેલો કિમિયો ફરી અજમાવી સારી એવી રાહત આપી શકે છે. મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડા ઉપરાંત વીજળીના પ્રતિ યુનિટ ફ્યૂઅલ ચાર્જ પણ ઘટાડવા વિચારે છે. સરકાર હાલના પ્રતિ યુનિટ ફ્યુઅલ ચાર્જ 5.50 રૂપિયા છે તેનાથી ઘટાડી 4 રૂપિયા કરવા તૈયાર છે. આમ પેટ્રોલ-ડીઝલ અને વીજળીમાં રુપાણી સરકાર ગુજરાતની જનતાને બુધ્ધિપૂર્વક અને હેતૂલક્ષી રાહત આપવા વિચારી રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો