કેજરીવાલના આગમનથી ભાજપમાં દોડધામ, તમામ કાર્યક્રમો ઉપર નજર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-06-2021

નેતાઓ અને આગેવાનોની મુલાકાતો અંગે પણ તપાસ

ગુજરાતના રાજકારણમાં હાલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અને aap નેતા અરવિંદ કેજરીવાલના આગમન સાથે જ ભાજપના નેતાઓ દોડતા થઈ ગયા છે. એટલું જ નહીં કેજરીવાલની ગતિવિધિઓ પર નજર રાખવા પક્ષના સમર્થકો અને અમદાવાદના સ્થાનિક કેટલાક નેતાઓને કામે લગાડી દીધા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત કેજરીવાલ જે-જે આગેવાનો-નેતાઓને મળી રહ્યા છે. તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જે અનુભવી નેતાઓ સાથે પ્રભારી ભૂપેન્દ્ર યાદવે બેઠક કરી હતી તેમને તેમણે સ્પષ્ટ પૂછયું હતું કે, આપની ગુજરાતમાં અત્યારની સ્થિતિ અને આગળ શું થઈ શકે છે.

તાજેતરમાં જ કામરેજ વિધાનસભા બેઠકોમાં 300 કાર્યકર્તાઓ આપમાં જોડાઈ ગયા હતા. જેને લઈ ભાજપના નેતાઓ ટેન્શનમાં આવી ગયા હતા. વધુમાં ભાજપના સ્થાનિક આગેવાનો અલગ અલગ જિલ્લામાંથી ભાજપ છોડી આપમાં જોડાઈ રહ્યા છે અને આપનું વર્ચસ્વ વધવા લાગ્યું છે.

ત્યારે હવે અરવિંદ કેજરીવાલની એક દિવસીય ગુજરાત મુલાકાતને લઈ ભાજપને ફાળ પેસી ગઈ છે. જેથી ભાજપે કેજરીવાલ અને તેમની ટીમ પર તથા કેજરીવાલના આજના કાર્યક્રમ પર સીધી કે આડકતરી રીતે ધ્યાન રાખી રહ્યા છે. અરવિંદ કેજરીવાલની આ મુલાકાત ગુજરાત વિધાનસભા માટે આપની તૈયારીનો સંકેત છે. આપનું સંગઠન વધુ મજબૂત બનાવવા માટે વધુ લોકોને જોડવામાં આવશે. તેમજ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને માર્ગદર્શન પણ આપશે. આ સિવાય જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ આમ આદમી પાર્ટીના અન્ય મોટા નેતાઓ ગુજરાત આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો