વાંકાનેર સિવિલ હોસ્પિટલની અડધો અડધ જગ્યા ખાલી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-06-2021

(અજય કાંજીયા દ્વારા) કોરોના મહામારી સમયે પણ ફરજનિષ્ઠ તબીબોએ દિવસ-રાત મહેનત કરી પ્રજાની સેવા કરી આર.ટી.આઇ. માં હકીકત બહાર આવીવાંકાનેર : વાંકાનેર તાલુકાની જનતાને આરોગ્ય સેવા માટેની એકમાત્ર સિવિલ હોસ્પિટલમાં અડધો અડધ જગ્યાઓ ખાલી પડી છે અને મોટાભાગની ખાલી જગ્યાઓ મહત્વની આરોગ્ય સેવા માટે હોવાનું આરટીઆઇમાં બહાર આવ્યું છે. નોંધનીય છે કે, કોરોના મહામારી સમયે ફરજનિષ્ઠ તબીબોની રાત દિવસની મહેનતને કારણે સરકારની ગંભીર તૃટી નજરે પડી ન હતી.
વાંકાનેર સિવિલ હોસ્પિટલ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે એક માત્ર સુવિધા છે. છતાં સરકારી તંત્ર દ્વારા વર્ષોથી મહત્વપૂર્ણ જગ્યાઓ ભરવામાં આવી ન હોવાનું આરટીઆઇ હેઠળ કરાયેલ અરજીમાં બહાર આવ્યું છે. વાંકાનેર હોસ્પિટલમાં કલાસ-૧ અધિકારીઓની કુલ જગ્યા 7 છે જેમાં 5 જગ્યા ખાલી છે. એ જ રીતે સ્ત્રી રોગ નિષ્ણાંતની જગ્યા મંજુર થઈ ત્યારથી ખાલી પડી હોવાનું પણ બહાર આવ્યું છે. ઉપરાંત, બાળ નિષ્ણાંત વર્ગ-૧, જનરલ સર્જન વર્ગ-૧, એનેસ્થેટીક વર્ગ-૧ ની જગ્યાઓ પણ ખાલી છે.

જ્યાંરે વર્ગ-૨ ની કુલ 5 જગ્યામાંથી વહીવટી અધિકારી કલાસ-૨ ની એક જગ્યા ખાલી પડેલી છે. જ્યારે વર્ગ ત્રણની કુલ જગ્યા 31 છે જેની સામે ખાલી જગ્યા 16 છે. આમ જોઇએ તો વાંકાનેર સિવિલ હોસ્પિટલ સ્ટાફ વગરનું ખાલી ખમ હોય તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે.
જ્યારે કલાસ-૪ ની કુલ 20 જગ્યા છે જેની સામે 15 જગ્યા ખાલી પડી છે. પી.પી. યુનિટ વિભાગમાં કલાસ ૧ થી લઈને કલાસ-૪ સુધીની કુલ જગ્યા 10 છે જેની સામે 8 જગ્યા ખાલી પડી હોવાનો આરટીઆઇમાં ખુલાસો થયો છે. ત્યારે સરકારી તંત્ર વહેલી તકે જનારોગ્યની ચિંતા કરી ખાલી જગ્યાઓ ભરે તેવી માંગ ઉઠવા પામી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો