મે મહિનામાં વાહનોના વેચાણમાં પંચાવન ટકાનું ગાબડું પડયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-06-2021

એપ્રિલ 2021ની તુલનાએ નવા વાહનોના રજિસ્ટ્રેશનના આંકડાઓમાં 55 ટકાનો અને મે 2019ની તુલનાએ 71 ટકાનો ઘટાડો આવ્યો હોવાથી ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશન-ફાડાએ લોનની પુન:ચૂકવણી માટે તેમને થોડો સમય રાહત પૂરી પાડવાની માગણી કરતો એક પત્ર રિઝર્વ બેન્કને લખ્યો છે.

ગુજરાતમાં ટુ વ્હિલરનું વેચાણ એપ્રિલ 2021માં 49,008 હતું. તે મે 2021માં 33,431 રહેતા 31.78 ટકા ઘટયું છે. થ્રી વ્હિલરનું વેચાણ એપ્રિલમાં 1010,  જ્યારે મે 2021માં 544નું જ રહ્યું હતું. આમ માઈનસ 46.14 ટકા રહ્યું હતું.

કોમર્શિયલ વેહિકલ અને પેસેન્જર વેહિકલ-પી.વી.નું વેચાણ એપ્રિલમાં અનુક્રમે 3623 અને 17484 રહ્યું હતું. આ બંને વેહિકલનું મે મહિનામાં વેચાણ 2282 અને 16,110 રહ્યું હતું. ટ્રેક્ટરનું માઈનસ વેચાણમાં 17.07 ટકા રહ્યું હતું.

સમગ્રતયા ગુજરાતમાં ઓટો સેક્ટરના વેચાણમાં એપ્રિલ અને મે 2021ના ગાળામાં 26.06 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. તેથી લોનની પુન: ચૂકવણી માટે સમય પૂરો પાડવા અંગેની માર્ગદર્શિકા જાહેર કરવાની પણ માગણી કરવામાં આવી છે. ઓટો ડીલર્સ સામાન્યપણે ઇન્વેન્ટરી ફંડિંગ લે છે. આ ફંડિંગ બે મહિના માટે લેવામાં આવે છે.

બે મહિના માટે તેમની પાસે આઠથી નવ ટકાના દરે વ્યાજ લેવામાં આવે છે. તેમાં વિલંબ થાય તો તે માટે 15થી 18 ટકાના દરે પીનલ ઇન્ટરેસ્ટ વસૂલવામાં આવે છે. આ પીનલ ઇન્ટરેસ્ટ ન લગાવવામાં આવે તેવી માગણી ફાડાના ગુજરાત ચેરમેન પ્રણવ શાહનું કહેવું છે.

જે રાજ્યમાં જેટલા દિવસનો લૉકડાઉન આવ્યો છે, તે પ્રમાણમાં તેમને લોનની ચૂકવણી કરવામાં રાહત પહોંચાડવાની માગણી કરવામાં આવી છે. એપ્રિલ અને મે 2020માં ભારતમાં સંપૂર્ણ લૉકડાઉન હતું.

આ જ રીતે માર્ચ 2021થી જૂન 2021 દરમિયાન પણ ખાસ્સો સમય તેમને એકમો બંધ રાખવાની ફરજ પડી છે. માત્ર શહેરી વિસ્તારના બજારોમાં થતાં વેચાણ પર જ નહિ, પરંતુ ગ્રામીણ વિસ્તારના બજારોમાં પણ ઓટમોબાઈલના વેચાણ પર અવળી અસર પડી છે.

ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ એસોસિયેશનના સૂત્રોનું કહેવું છે કે ફોર વ્હિલર જ નહિ, પરંતુ ટુ વ્હિલરના વેચાણમાં 53 ટકા, થ્રી વ્હિલરના વેચાણમાં 76 ટકા, પેસેન્જર વ્હિકલના વેચાણમાં 59 ટકા, ટ્રેક્ટર્સના વેચાણમાં 57 ટકા તથા કોમર્શિયલ વેહિકલના વેચાણમાં 66 ટકાનો ઘટાડો થયો છે.

ફાડા દ્વારા આપવામાં આવેલા આંકડાઓ મુજબ મે 2020માં કોઈ જ વેચાણ થયું નથી. તેથી મે 2019ના આંકડા સાથે જ મે 2021ના આંકડાઓની તુલના કરવી પડે છે. મે 2021ના ગાળામાં ટુ વ્હિલરના વેચાણાં 53 ટકાનો, થ્રી વ્હિલરમાં 76 ટકાનો, પેસેન્જર વેહિલકમાં 59 ટકાનો અને કોમર્શિયલ વેહિકલવા વેચાણમાં 66 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

જૂન મહિનાના પહેલા નવ દિવસના ગાળામાં થોડી ડિમાન્ડ જોવા મળી છે. આ ડિમાન્ડ પહેલેથી જ હતી, પરંતુ આંશિક લૉકડાઉનને પરિણામે અમલમાં મૂકી શકાઈ નહોતી. પરંતુ રાજ્ય સરકારો અપેક્ષા મુજબ લાકડાઉનમાં રાહત નહિ આપે તો જૂન 2020ની તુલનાએ જૂન 2021માં પરિસ્થિતિમાં બહુ સુધારો જોવા મળે તેવી ધારણા નથી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો