ભાડેથી આપેલા 550 આવાસ ઝડપાયા : તમામનાં દસ્તાવેજ રદ

ડીસેમ્બર માસથી આવાસ યોજના વિભાગે ચેકિંગ કામગીરી શરૂ કરતાં મોટો ચોંકાવનારો આંકડો બહાર આવ્યો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-06-2021

વર્ષોથી ઘર હોવા છતાં ભાડુ ખાનાર તેમજ કબ્જો કરનાર આવારાતત્ત્વો ઉપર કોર્પોરેશનની તવાઈ

મ્યુનિ. કમિશનરે ગેરકાયદેસર રીતે આવાસ મેળવનાર સામે કડક પગલાં લેવાનો આદેશ આપ્યો

રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત લોકોને આવાસ ફાળવવામાં આવ્યા છે. પરંતુ, અનેક લોકોએ પોતાના આવાસ ભાડેથી આપી દીધાનું બહાર આવતાં ડીસેમ્બર માસથી આવાસ યોજના વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવેલ. જેમાં આજસુધીમાં 550થી વધુ આ પ્રકારના આવાસો પકડાતા મ્યુનિ. કમિશ્નરે તમામ આવાસનો કબ્જો કોર્પોરેશને લઈ લેવો અને તમામના દસ્તાવેજ રદ્દ કરી નાંખવાનો આદેશ કરતાં ચકચાર મચી ગયેલ છે.

મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગ દ્વારા ડીસેમ્બર માસથી ભાડે આપેલા ક્વાર્ટરોનું તેમજ કબ્જો થયેલ હોય તે પ્રકારના આવાસો પરત મેળવવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત રેલનગરમાં સુભાષચંદ્ર બોઝ અને વિરસાવરકર ટાઉનશીપમાં 720 આવાસની ચકાસણી કરતાં 6 કવાર્ટર ભાડે દીધેલા હોવાનું માલુમ પડતાં સિલ કરવામાં આવ્યા હતા. તેવી જ રીતે અન્ય 440 આવાસોની ચકાસણી કરતાં મૂળ માલિક સીવાય અન્ય લોકો રહેતા હોવાનું બહાર આવ્યું હતું. છેલ્લા છ માસમાં અલગ અલગ આવાસ યોજનામાં ચેકીંગ કામગીરી હાથ ધરી 550થી વધુ કવાર્ટરો સીલ કરવામાં આવ્યા છે. જેના દસ્તાવેજ રદ કરવાનો આદેશ મ્યુનિ. કમિશ્નરે કર્યો છે. સરકાર દ્વારા ગરીબ તેમજ મધ્યમ પરિવારોને ઘરનો આશરો મળી રહે અને સસ્તા દરે ઘરનું ઘર ઉપલબ્ધ થાય તે માટે આવાસ યોજનાઓમાં કવાર્ટર આપવામાં આવે છે. પરંતુ, અનેક જરૂરિયાત વગરના લોકોએ યેન-કેન પ્રકારે આવાસનો કબ્જો લઇ લીધા બાદ ભાડેથી આપી દીધાની ફરિયાદો ઉઠવા પામી હતી. તેવી જ રીતે મહાનગરપાલિકાએ પરત આવેલા તેમજ અગમ્ય કારણોસર સીલ કરેલા કવાર્ટરોના તાળા તોડી લેભાગુ લોકોએ કબ્જો કરી લીધાની પણ ફરિયાદો ઉઠતાં આવાસ યોજના વિભાગ દ્વારા ડીસેમ્બર માસથી રાજકોટના ત્રણેય ઝોનમાં આવેલ આવાસ યોજનામાં ચેકીંગ કામગીરી શરૂ કરી હતી. જેમાં આજસુધીમાં કબ્જો થયેલા તેમજ ભાડેથી આપવામાં આવેલા 550થી વધુ આવાસો પકડાયા છે. જે તમામ સીલ કરવામાં આવ્યા હોય જે લોકોને આવાસ ફાળવવામાં આવ્યું હોય તેમના નામનું આવાસ રદ્દ કરી દસ્તાવેજ કેન્સલ કરવાની કાર્યવાહી મહાનગરપાલિકાએ શરૂ કરી છે. જે આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે.

હપ્તા ન ભર્યા હોય તેઓને અપાશે નોટિસ: મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનામાં લોકોને કવાર્ટર ફાળવ્યા બાદ અરજદારે રેગ્યુલર હપ્તા ભરવાના હોય છે. કવાર્ટરની ફાળવણી થાય ત્યારે મેન્ટેનન્સ સહિતના ભરવાના થતી રકમ અનેક અરજદારોએ ભરેલ ન હોય આગામી દિવસોમાં તમામ આવાસ યોજનાઓમાં ચેકીંગ હાથ ધરી હપ્તા ન ભરેલ હોય તે પ્રકારના આસામીઓને નોટિસ આપી સમયમર્યાદામાં હપ્તો ભરી જવાની તાકીદ કરવામાં આવશે.

આવારાતત્ત્વો અને અધિકારીઓની મિલીભગત: રાજકોટમાં જૂની તેમજ હાલમાં તૈયાર થયેલ આવાસ યોજનામાં અનેક કવાર્ટરો ઉપર આવારા તત્ત્વો કબ્જો જમાવી બેઠા છે. વર્ષો પહેલા બનેલી અનેક આવાસ યોજનામાં માથાભારે તત્ત્વોએ કબ્જો કરી ભાડેથી કવાર્ટર આપી દીધાનું અનેક વખત બહાર આવ્યું છે. છતાં ચેકીંગ સમયે આ પ્રકારના કબ્જે થયેલા કવાર્ટરોની વિગતબહાર આવતી નથી. જેનું મુખ્ય કારણ અધિકારીઓ સાથે આવારાતત્ત્વોની મિલીભગત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો વિજીલન્સ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તો અનેક કવાર્ટર પરત મનપાને મળી શકે તેમ છે. તેમજ અનેક અધિકારીઓનો પણ ઘડોલાડવો થઈ શકે તેમ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો