અમૂલના પ્લાન્ટ માટે 135 એકર જમીન ફાળવવા રાજકોટ કલેકટરની સરકારમાં દરખાસ્ત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-06-2021

મોસાળે જમણ અને માં પિરસનાર! આણંદપર નજીક નિર્માણ પામશે શ્ર્વેતક્રાંતિનો પ્રોજેકટ

આગામી કેબીનેટમાં નિર્ણય લેવા થતી ચર્ચા વિચારણા: સૌરાષ્ટ્રવાસીઓને ઘર આંગણે જ મળી રહેશે પૂરતા ભાવ

મોસાળે જમણ અને માં પિરસનાર આ કહેવત રાજકોટ માટે સાર્થક થઈ છે અને રાજકોટમાં વધુ એક પ્રોજેકટ સ્થાપના પ્રયાસો ચાલી રહ્યા છે. આણંદપર પાસે અમૂલનો પ્લાન્ટ સ્થાપવા માટે રાજકોટ કલેકટર દ્વારા પ્લાન્ટ માટે 135 એકર જેટલી જમીન ફાળવવા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે જે અંગે આગામી કેબીનેટમાં નિર્ણય લેવામાં આવશે.

રાજકોટ કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, રાજકોટની ભાગોળે આવેલ આણંદપર પાસે અમૂલનો પ્લાન્ટ સ્થાપવા માટે પ્રયોજલ કરવામાં આવી હતી. જે માટે સરકારમાં પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરખાસ્ત મૂકાઈ છે અને આ પ્લાન્ટ માટે 135 એકર જમીન આપવા દરખાસ્ત કરતા આગામી મળનાર કેબીનેટમાં નિર્ણય લેવામાં આવશે. આ પ્રોજેકટ રાજકોટને મળશે તેવો વિશ્ર્વાસ કલેકટરે વ્યકત કર્યો છે.

વધુમાં કલેકટરે જણાવ્યું હતું કે, પ્લાન્ટની સ્થાપના બાદ કાર્યરત થશે ત્યારે શરૂઆતમાં 25 લાખ લીટર દૂધની પ્રોસેસ કરવામાં આવશે અને ત્યારબાદ ધીમેધીમે આ પ્રોસેસની ગતિ વધારવામાં આવશેેેેે તેમજ શરૂઆતમાં દૂધ અને બાદમાં અમૂલની ડેરી પ્રોડકટ સહિત આઈસ્ક્રીમ, બટર, બ્રેડ સહિતની આઈટમો પણ બનાવવામાં આવશે અને સૌરાષ્ટ્રવાસીઓને ઘરઆંગણે જ પૂરતા ભાવ મળી રહેશે. આ પ્લાન્ટથી આણંદની સ્વેતક્રાંતિ સૌરાષ્ટ્રમાં પણ થશે.

રોજગારીની તકો વધશે અને બહેનો માટે પણ સારી તક મળશે: કલેકટર

અમૂલ પ્લાન્ટ નાંખવાથી સૌરાષ્ટ્રવાસીઓ પૂરતી રોજગારી મળી રહેશે. બહેનોને પણ ઘરબેઠા આવક થશે. આજે આણંદ અને ઘેડામાં ઘરે-ઘરે ડેરીઓ છે અને લોકો સારી એવી આવક મેળવી ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ આ લાભ લોકોને મળી રહેશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો