કોવિડ-19 વેક્સીનના સર્ટીફિકેટમાં ભૂલ છે તો તમે જાતે ઓનલાઈન કરી શકો છો સુધારો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-06-2021

વેક્સીન લીધેલ વ્યક્તિ કોવિડ-19ના સર્ટીફિકેટમાં થયેલ ભૂલને કોવિન પોર્ટલ પરથી જાતે સુધારી શકે છે. સરકારે એક નવી એપડેટની જાહેરાત કરી છે કે વેક્સીન લીધેલ વ્યક્તિ સર્ટીફિકટમાં લખેલ નામ, જન્મ તિથિ અને લિંગમાં અજાણતા થયેલ ભૂલને સુધારવા માટેની સુવિધા આપશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અતિરિક્ત સચિવ વિકાસ શીલે બુધવારે જણાવ્યું કે યુઝર્સ કોવિન વેબસાઈટ પરથી સુધારો કરી શકશે. આરોગ્ય સેતુ એપ્લિકેશનના અધિકૃત હેન્ડલ પરથી ટ્વિટ કરવામાં આવ્યું કે, ‘જો કોવિન વેક્સીનના સર્ટીફિકેટમાં અજાણતા તમારા નામ, જન્મ તારીખ અને લિંગની માહિતીમાં કોઈ ભૂલ થઈ છે તો તમે તેને સુધારી શકો છો. કોવિનની વેબસાઈટ પર જઈને સર્ટીફિકેટમાં થયેલ ભૂલ વિશે જણાવો.’ કોવિડ વેક્સીનેશનનું સર્ટીફિકેટ ટ્રાવેલ સમયે અને અન્ય અવસર પર આવવા જવા સમયે મદદ કરે છે.

અગાઉ સરકારે વેક્સીન લીધેલ લોકોને સ્વ-મૂલ્યાંકન પ્રક્રિયાના માધ્યમથી આરોગ્ય સેતુ એપ્લિકેશન પર તેમની વેક્સીનેશનની સ્થિતિ અપડેટ કરવાની મંજૂરી આપી હતી. જે લોકોએ વેક્સીન લીધેલ છે તેમની હોમ સ્ક્રીન પર વેક્સીનેશનની સ્થિતિ માટે બ્લ્યૂ રંગની ટીક જોવા મળશે. જે લોકોએ વેક્સીનના બંને ડોઝ લીધા છે તેમને એપ્લિકેશન પર 14 દિવસ બાદ બ્લ્યૂ રંગની ટીક જોવા મળશે. બંને ટીક કોવિન પોર્ટલ પરથી વેક્સીનેશનની સ્થિતિની ખાતરી કર્યા બાદ જોવા મળશે.

વેક્સીનેશનની સ્થિતિને કોવિન પર રજિસ્ટ્રેશન માટે ઉપયોગ કરવામાં આવેલ મોબાઈલ નંબર પરથી અપડેટ કરવામાં આવી શકે છે. રાષ્ટ્રવ્યાપી વેક્સીનેશનના અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 23,90,58,360 લોકોને કોવિડ-19ની રસી આપવામાં આવી છે.

સમગ્ર વિશ્વમાં લોકો કોરોનાથી બચવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. કોરોનાને ફેલાતો રોકવા માટે સમગ્ર દેશમાં વેક્સીનેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જો તમારે રસી લેવાની બાકી હોય તો વહેલામાં વહેલી તકે રસી મેળવી લો. આ વેક્સીન તમને કોરોના સામે બચવામાં મદદ કરશે. યાદ રાખો કે વેક્સીન લીધા બાદ પણ માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો