ગુજરાતીઓ માટે સારા સમાચાર: આવતીકાલથી ખૂલી રહ્યું છે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, જાણો બુકિંગની માહિતી

ટેન્ટ સીટી અને હોટલોના માલિકો પણ હવે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે એવી આશા રાખીને બેઠા છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-06-2021

કોરોનાની બીજી લહેરને કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી છેલ્લા 20 દિવસથી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું. જોકે, હવે પ્રવાસીઓ માટે એક સારા સમાચાર છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી આવતી કાલથી એટલે તારીખ 8મી જૂથથી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે.જે માટે તંત્રએ તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી દીધી છે. આ માટેની ઓનલાઇન બુકિંગ પણ શરૂ થઇ જશે.

આ ઉપરાંત સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાથે જે જંગલ સફારી પાર્ક, ચિલ્ડ્રન પાર્ક અને રમાડા હોટલ ટેન્ટ સિટી સહીત અનેક પ્રોજેક્ટો ખુલ્લા થશે. ટેન્ટ સિટી અને હોટલોના માલિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગત વર્ષે પણ કોરોનાને કારણે લાખો રૂપિયાનું નુકશાન થયું હતું અને હાલ ચાલુ વર્ષે પણ નુકશાન થયું છે. ત્યારે હવે ટેન્ટ સીટી અને હોટલોના માલિકો પણ હવે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે એવી આશા રાખીને બેઠા છે. ત્યારે આવતી કાલથી શરૂ થતા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર હવે પ્રવાસીઓને પણ ઓનલાઇન સાથે હવે ઓફલાઈન ટિકિટ પણ મળશે એવી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે.

રમાડા હોટલના મેનેજર મનોજ મહારાજે જણાવ્યું કે, હું ઓનલાઇન જોઇ રહ્યો હતો તો સ્ટેચ્યૂની ઓનલાઇન બૂકિંગ થઇ રહી છે. અમારી પાસે પણ 8,9 અને 10ની બૂકિંગ આવી છે.છેલ્લા ઘણાં વખતથી હોટલો બંધ છે જેના કારણે અમને ઘણું જ નુકસાન થઇ રહ્યું છે.

ત્યારે હવે અમે પ્રવાસીઓને આવકારવા માટે એકદમ તૈયાર છીએ. આજથી અમારો આખો સ્ટાફ આવી ગયો છે. હાલમાં અમે 8 તારીખથી પ્રવાસીઓ માટે કોવિડ ગાઈડ લાઈન પ્રમાણેની વ્યવસ્થા શરૂ કરી દીધી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓને કોરોનાની ગવર્મેન્ટની ગાઈડ લાઈન પ્રમાણે અમે સગવડો આપીશું.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો