G7 દેશો વચ્ચે ઐતિહાસિક કરાર, Google-Facebook જેવી કંપનીઓ પર પડશે મોટી અસર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-06-2021

USA, બ્રિટન સહિત G7 સમૂહના તમામ દેશો એક ઐતિહાસિક ડીલ (Historical Agreement) કરવા જઈ રહ્યા છે. આ ડીલ ગૂગલ, એપ્પલ, ફેસબુક, જેવી મલ્ટિનેશનલ કંપનીઓ પર ઊંચા વૈશ્વિક કર અંગે છે. જે હેઠળ આ કંપનીઓ પર 15 ટકા કોર્પોરેટ ટેક્સ લગાવવામાં આવશે. તમામ દેશો વચ્ચે આ અંગે સહમતિ બની ગઈ છે અને ડીલ પર 11થી 13 જૂન વચ્ચે કોર્નવાલ (Cornwall) માં હસ્તાક્ષર થશે.

અનેક વર્ષોથી ઉઠતી હતી માગણી

ગેઝેટ્સ 360 ડિગ્રીમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ લંડનમાં થયેલી બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનક (Rishi Sunak) એ કહ્યું કે, ‘G-7 સમૂહના દેશોના નાણામંત્રીઓએ ગ્લોબલ ટેક્સ સિસ્ટમમાં સુધાર કરવા માટે ઐતિહાસિક કરાર પર સહમતિ વ્યક્ત કરી દીધી છે. બ્રિટન લાંબા સમયથી ટેક્સમાં આ સુધારાની માગણી કરી રહ્યું હતું. જેનાથી બ્રિટનના કરદાતાઓને મોટું ઈનામ મળશે. આ સાથે જ એ સુનિશ્ચિત પણ થશે કે તમામ કંપનીઓ યોગ્ય સ્થળ પર જ કરની ચૂકવણી કરે.’

કંપનીઓએ પર્યાવરણ પર થનારી અસર જણાવવી પડશે

જી7 દેશોના નાણામંત્રીઓ વચ્ચે એ મુદ્દે સહમતિ બની ગઈ છે કે હવે કંપનીઓએ તે પર્યાવરણ અસરો અંગે પણ જણાવવું પડશે જેની પાછળ તેઓ જવાબદાર છે. જેથી કરીને રોકાણકારો સરળતાથી નિર્ણય લઈ શકે કે તેમને એ કંપનીઓને ફંડિંગ કરવાનું છે કે નહીં. અત્રે જણાવવાનું કે જી7 સમૂહમાં બ્રિટન, અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી અને જાપાન છે.

G7 Cornwall માં લાગશે મહોર

નાણામંત્રીઓની આ બેઠક જી7ના નેતાઓના વાર્ષિક શિખર સંમેલન પહેલા થઈ. આ કરાર પર જી7ની શિખર બેઠકમાં મહોર લાગશે. શિખર સંમેલન બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સનની અધ્યક્ષતામાં કોર્નવાલ (Cornwall)માં 11-13 જૂન સુધી યોજાશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો