ટૂરિઝમ-હૉસ્પિટાલિટી ક્ષેત્રને 15,000 કરોડની રાહત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-06-2021

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટને 3.5 ટકા યથાવત્ રાખ્યો છે, જ્યારે જીડીપી ગ્રોથનું અનુમાન 9.5% રાખ્યું છે. ભારતીય રિઝર્વ બેન્કની મોનિટરી પોલીસી કમિટીની દર બે મહિને થનારી ત્રણ દિવસીય સમીક્ષા બેઠક આજે પૂરી થઈ છે. રિઝર્વ બેન્કે નીતિગત દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે મોનિટરી પોલિસીએ નક્કી કર્યું હતું કે વ્યાજદરમાં કોઈ ફેરફાર ન કરવામાં આવે. આરબીઆઇએ અગાઉ 4 એપ્રિલે પણ રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈપણ ફેરફાર કર્યો ન હતો.

રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટને 3.5 ટકા યથાવત રાખવામાં આવ્યો છે. આ સિવાય અન્ય દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એનો અર્થ એ થયો કે લોકોના લોનના ઇએમઆઇમાં કોઈ ફેર પડશે નહિ, એટલે કે એ યથાવત રહેશે.

કોરોનાને કારણે બરબાદ થઈ ચૂકેલા ટૂરિઝમ એન્ડ હોસ્પિટાલિટી સેક્ટરને સરકારે કોઈ જ રાહત આપી નથી, જોકે આ સેક્ટરને હવે રિઝર્વ બેન્કના માધ્યમથી રાહત અપાઈ રહી છે. રિઝર્વ બેન્કના ગવર્નરે શુક્રવારે નાણાકીય નીતિની સમીક્ષાની જાહેરાત કરતાં કહ્યું હતું કે બેન્કોના માધ્યમથી આ સેક્ટરને

રાહત આપવામાં આવશે. 15 હજાર કરોડ રૂપિયાની કેશની વ્યવસ્થા બેન્કોને અપાશે. એનાથી બેન્ક હોટલ, ટૂર ઓપરેટર, રેસ્ટોરાં, પ્રાઈવેટ બસ ઓપરેટર વગેરેને સસ્તી લોન આપી શકશે.

રિઝર્વ બેન્કે અનુમાન લગાવ્યું છે કે નાણાકીય વર્ષ 2021-22માં જીડીપી ગ્રોથ 9.5 ટકા રહી શકે છે. આ આંકડો સારો છે, જોકે રિઝર્વ બેન્કના પહેલાંના 10.5 ટકાના અનુમાનથી ઓછો છે. રિઝર્વ બેન્કના ગવર્નરે કહ્યું હતું કે મોન્સૂન સામાન્ય રહેવાનું અનુમાન છે અને એને કારણે ગ્રામીણ માગ મજબૂત રહેશે, જેને કારણે જીડીપીમાં સારો વધારો જોવા મળવાનું અનુમાન છે.

શક્તિકાંત દાસે કહ્યું હતું કે અર્થવ્યવસ્થાને સપોર્ટ આપવા માટે આરબીઆઈ 17 જૂને 40 હજાર કરોડ રૂપિયાની જી-સિક્યોરિટીઝ(ગવર્નમેન્ટ સિક્યોરિટીઝ) ખરીદશે. બીજા ત્રિમાસિકમાં 1.20 લાખ કરોડ રૂપિયાની જી-સિક્યોરિટીઝ ખરીદવામાં આવશે. આરબીઆઈ ગવર્નરે વધુમાં કહ્યું હતું કે ભારતનો વિદેશી પૂંજી ભંડાર 600 બિલિયન ડોલરની પાર જઈ શકે છે. ખઙઈએ 31 માર્ચ 2026 સુધી વાર્ષિક મોંઘવારી દરને 4 ટકા પર જાળવી રાખવાનું લક્ષ્ય આપ્યું છે.

આ છે હાલના દર

રેપો રેટ 4.00%

રિવર્સ રેપો રેટ 3.35%

માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ 4.25%

બેન્ક રેટ 4.25%

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો