1 ઓગસ્ટથી બેંકની રજામાં પણ લોનના હપ્તા, SIP, સેલેરી અને પેંશનનું ક્રેડિટ અટકશે નહીં, NACHને લઈ RBIની મહત્વની જાહેરાત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-06-2021

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ(NACH)ની સુવિધાને લઈ મહત્વની જાહેરાત કરી

બેન્કિંગ ક્ષેત્રે લોકોમાં વધુ જાગૃતિ આવવાની સાથે NACHનો ઉપયોગ પણ સતત વધ્યો છે. ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ(NACH)ની સુવિધાને લઈ મહત્વની જાહેરાત કરી છે. જે મુજબ આગામી 1 ઓગસ્ટથી NACHના માધ્યમથી સેલેરી, પેંશન, ઇન્ટરેસ્ટ, ડિવિડન્ડ સહિતના પેમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ બેંકની રજાઓમાં પણ થઈ શકશે. એકંદરે, NACH સુવિધા આખું સપ્તાહ ઉપલબ્ધ રહેશે.

NACH એનપીસીઆઈ દ્વારા સંચાલિત એક બલ્ક પેમેન્ટ સિસ્ટમ છે. જે એકસાથે ડિવિડન્ડ, વ્યાજ, પગાર, પેન્શન, વગેરેની ચુકવણીમાં મહત્વનું રહે છે. આ ઉપરાંત વીજળી, ગેસ, ટેલિફોન, પાણી, લોનના હપ્તા, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, વીમા પ્રીમિયમ, વગેરે પેમેન્ટનું કલેક્શન પણ NACHના માધ્યમથી થાય છે.

હાલ NACH બેંક ચાલુ હોય તે દિવસોમાં જ કામ કરે છે. જોકે, ગ્રાહકની સુવિધામાં વધુ વધારો કરવા અને આરટીજીએસની 24×7 ઉપલબ્ધતાનો લાભ મેળવવા માટે NACHને આગામી 1 ઓગસ્ટ 2021થી તમામ દિવસો ચાલુ રાખવામાં આવશે. તેવું આરબીઆઇના નિવેદનમાં જણાવાયું છે.

NACH સિસ્ટમનો ઉપયોગ બેંકોમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)ની નોંધણી માટે થાય છે. હાલ SIPની NACHથી નોંધણી માટે 2થી3 અઠવાડિયાનો સમય લાગે છે. અલબત્ત હવે, NACH સુવિધા સતત ચાલુ રાખવા પગલાથી SIPની નોંધણી ઝડપી બનશે. તેવું નિષ્ણાંતોનું કહેવું છે.

MF નિષ્ણાંતના કહ્યા મુજબ બધા જ દિવસોમાં NACHની પ્રક્રિયા SIPના રજિસ્ટ્રેશન ટાઈમને ઘટાડશે. રોકાણકારોને વધુ અનુકૂળ વાતાવરણ પૂરું મળશે. તે SIP સ્ટાર્ટ / સાયકલના દિવસોમાં ઓછા ક્લસ્ટરીંગ તરફ દોરી જશે.

ઉલ્લેખનીય છે કે, 1 મે 2016ના રોજ NACHએ ECSનું સ્થાન લીધું હતું. NACHનો ઉપયોગ કરી બેંક એકાઉન્ટમાંથી ઓટો ડેબિટની પરવાનગી આપવા માટે થાય છે. મ્યુચ્યુઅલ ફંડ્સ (એનએચએચ) માં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) માટે ECS(ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ)ના નિયમો તબક્કાવાર NACHની તરફેણમાં કરાઈ રહ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો