ધો.10ના પરિણામની પેટર્ન ધો.12માં લાગુ કરી ન શકાય

CBSE બોર્ડના પરિણામો અંગે એકસપર્ટ્સનો ‘અલગ’ મત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-06-2021

સીબીએસઇની ધો.12ની પરીક્ષા રદ થઈ ગયા પછી એની રિઝલ્ટ પેટર્ન પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. એજ્યુકેશન એક્સપર્ટ્સે પહેલા રદ થઈ ચૂકેલી ધો.10ની પરીક્ષાના પરિણામ માટે અપનાવવામાં આવેલી પેટર્નમાં ખામીઓ ગણાવવાની શરૂ કરી દીધી છે. તેમનું કહેવું છે કે ધો.12ના રિઝલ્ટમાં આ પેટર્નને લાગુ ન કરી શકાય. એને કારણે ઉચ્ચ અભ્યાસનો પ્લાન બનાવી રહેલા વિદ્યાર્થીઓને ઘણું નુકસાન થઈ શકે છે.

આ પહેલાં કોરોના મહામારીની વચ્ચે કેન્દ્ર સરકારે મંગળવારે પહેલી જૂને સમગ્ર દેશમાં ધો.12ની બોર્ડની પરીક્ષા કેન્સલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરતાં કહ્યું હતું કે ધો.12નું રિઝલ્ટ નક્કી સમય સીમાની અંદર અને તાર્કિક આધારે નક્કી કરવામાં આવશે. એવામાં સૌથી મોટો સવાલ એ છે કે અંતે વિદ્યાર્થીઓનું એસેસમેન્ટ ક્યાં આધારે કરવામાં આવશે.

ધો.10ની પરીક્ષાઓ પહેલાં જ રદ કરી દેવામાં આવી છે. એનું રિઝલ્ટ તૈયાર કરવા માટે 5 સભ્ય ધરાવતી શિક્ષકોની ટીમની રચના દરેક સ્કૂલમાં કરવામાં આવી છે. આ ટીમ પણ ઈન્ટર્નલ એસેસમેન્ટના આધારે ધો.10નું રિઝલ્ટ તૈયાર કરશે.

એક્સપર્ટ્સનું માનવું છે કે તમામ સ્કૂલમાં યુનિટ ટેસ્ટ અને મિડ ટર્મ એક્ઝામ માટે એકસમાન આધાર નથી. કેટલીક સ્કૂલોમાં બોર્ડ પરીક્ષાની સરખામણીએ વધુ સખતાઈથી યુનિટ ટેસ્ટ અને પ્રી-બોર્ડ એક્ઝામ કરાવવામાં આવે છે, જ્યારે ઘણી સ્કૂલોમાં એમાં બેદરકારી રાખવામાં આવે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો