ધોરણ 10ના વિદ્યાર્થીનું પરિણામ આ રીતે તૈયાર થશે, જુલાઈના બીજા અઠવાડિયામાં મળશે માર્કશીટ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-06-2021

કોરોનાને કારણે વારંવાર બોર્ડની તારીખો જાહેર કર્યા બાદ આખરે કેન્દ્ર સરકારના આદેશ પછી રાજ્યના શિક્ષણ વિભાગે પણ ધોરણ10 અને 12ની બોર્ડની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. બોર્ડ સામે હવે સૌથી મોટો પ્રશ્ન છે કે વિદ્યાર્થીઓનું પરિણામ કેવી રીતે તૈયાર કરવું. આ અંગે આજરોજ ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરિણામ કેવી રીતે તૈયાર કરવામાં આવશે તેની માહિતી જાહેર કરી છે.]

આ રીતે તૈયાર થશે ધોરણ 10નું પરિણામ

સૌથી પહેલા તો નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ 2 ભાગમાં થાય છે.

ભાગ-1: શાળાકીય આંતરિક મૂલ્યાંકન(20 માર્કસ)

શાળા દ્વારા નિયમિત વિદ્યાર્થીઓને તેમના દ્વારા પંસદ કરાયેલા વિષયોમાં બોર્ડ દ્વારા નિયત કરેલા ધારા-ધોરણ મુજબ 20 માર્કસનું આંતરિક મૂલ્યાંકન કરવાનું રહેશે. આ માહિતી બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલી એપ્લિકેશનમાં અપડેટ શાળા દ્વારા કરવાની રહેશે.

ભાગ- 2: શાળાકીય કસોટીઓના આધારે મૂલ્યાંકન (80 માર્કસ)

A. ધોરણ 9ની પ્રાથમિક કસોટી કુલ 50 માર્કસમાંથી મેળવેલા માર્કસને 40 %માં રૂપાંતરિક કરેલા માર્કસ

B. ધોરણ 9ની બીજી કસોટીના કુલ 50 માર્કસમાંથી મેળવેલા માર્કસને 40%માં રૂપાંતરિક કરેલા માર્કસ

C.ધોરણ 10 દરમિયાન ઓનલાઈન કે ઓફલાઈન યોજાયેલી પ્રથમ સામાયિક કસોટીના કુલ 80 માર્કસમાંથી મેળવેલા માર્કસને 37.5%માં રૂપાંતરિક કરેલા માર્કસ

D. વિદ્યાર્થીના ધોરણ 10ની એકમ કસોટી(કુલ 25 માર્કસ)માંથી મેળવેલા માર્કસને 40%માં રૂપાંતરિક કરેલા માર્કસ

શાળામાં પરિણામ સમિતિની રચના કરવી

ધોરણ 10ના પરિણામ તૈયાર કરવા માટે દરેક શાળાના આચાર્યની અધ્યક્ષતામાં માધ્યમિક શાળાના વિષય શિક્ષકોની એક સમિતિની રચના કરવાની રહેશે. પરિણામ તૈયાર થયા બાદ સમિતિએ તમામ આધારો પર સહી કરીને તારીખ લખવાની રહેશે. શાળાના પરિણામ માટે આ સમિતિ જવાબદાર રહેશે.

સમગ્ર પ્રક્રિયાનું સમયપત્રક

1. 4 જૂન થી 10 જૂન 2021 સુધીમાં બોર્ડ દ્વારા જાહેર કરેલ પધ્ધતિ મુજબ વિદ્યાર્થીઓના પરિણામનું શાળાઓ દ્વારા આખરીકરણ કરવાનું રહેશે

2. 8 જૂન થી 17 જૂન સુધીમાં શાળા દ્વારા તૈયાર કરેલ પરિણામ બોર્ડની વેબસાઈટ ઉપર અપલોડ કરવાની કાર્યવાહી કરવાની રહેશે

3. બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના ઓનલાઈન પરિણામની જાહેરાત જૂનના અંતિમ અઠવાડિયામાં કરવામાં આવશે.

4. જુલાઈના બીજા અઠવાડિયામાં બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને માર્કશીટ અને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો