હવે મકાન માલિકો બે માસથી વધુ એડવાન્સ ભાડુ નહીં લઈ શકે : વિવાદ હવે રેન્ટ કોર્ટ જ ઉકેલશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-06-2021

દેશમાં ખાલી પડેલી 1.50 કરોડ પ્રોપર્ટીમાં હવે નવા રેન્ટલ બિઝનેસ માટે તક વધશે : રિયલ એસ્ટેટ નિષ્ણાંતોનો મત :નવા કાયદાનાં અમલથી વધુ પ્રોપર્ટી ભાડે અપાશે જેથી લોકોની આવક વધશે : કોમર્શીયલ બિલ્ડીંગમાં છ માસનું ભાડુ એડવાન્સ લઇ શકાશે :મકાન માલિક અને ભાડુતના વિવાદમાં હવે સિવિલ કોર્ટની ભૂમિકા નહી : ખાસ રેન્ટ કોર્ટ અને ટ્રીબ્યુનલ મારફત જ સમયબઘ્ધ રીતે વિવાદ ઉકેલાશે

કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા નવા ટેનન્સી એકટના કારણે દેશમાં રીયલ એસ્ટેટ ઉદ્યોગને એક નવી તક મળશે અને નિષ્ણાંતોના જણાવ્યા મુજબ હાઉસીંગ સપ્લાય વધશે સરકારનો ઇરાદો પણ એ જ છે કે 2022 સુધીમાં સૌના માટે આવાસની જે યોજના છે તેમાં હાલના તેમાં ખાલી પડેલા આવાસો નવા કાનૂનથી ભાડે આપવામાં મકાન માલિકો માટે એક સલામતી પણ સર્જાશે. સૌથી મહત્વનું એ છે કે મકાન માલિક અને ભાડુઆત વચ્ચેના કોઇ વિવાદમાં સિવિલ કોર્ટની કોઇ ભૂમિકા નહી હોય અને રેન્ટ કોર્ટ તથા ટ્રીબ્યુનલ જ મહત્વની ભૂમિકા ભજવશે. જો કે આ સમગ્ર કાયદો ઔદ્યોગિક પ્રકારના બાંધકામને માટે અસરકર્તા નથી. હવે રાજયએ આ મોડેલ કાનૂનો પરથી પોતાનો કાનૂન બનાવવાનો રહેશે.

કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં નોડલ ટેનન્સી એકટ અર્થાત આદર્શ ભાડુત કાયદાને મંજુરી આપી દીધી છે. જે મુજબ હવે રહેણાંકની ઈમારતો માટે બે મહિનાનું એડવાન્સ ભાડુ અથવા સિકયુરીટી ડીપોઝીટ તેમજ વાણીજીયક ઈમારતો માટે 6 મહિના સુધીનું એડવાન્સ ભાડુ લઈ શકવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ નવા મોડેલ ટેનન્સી એકટ હેઠળ રાજયોને રેન્ટ કોર્ટ અથવા રેન્ટ ટ્રિબ્યુનલની રચના કરી શકવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. જેથી ભાડા સંબંધીત વિવાદોનો ઝડપથી ઉકેલ લાવી શકાય. આ વિભાગોને ડેપ્યુટી કલેકટર અથવા તેમનાં સમકક્ષ રેન્ક ઓફીસર સંભાળશે.

આ નવા કાયદામાં ભાડુઆત તેમજ મકાન માલીક બન્નેના હિતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારના અંદાજા અનુસાર આ કાયદાથી દેશમાં ભાડેથી મકાન આપવાની હાલની વ્યવસ્થામાં ખુબ મોટો ફેરફાર આવતા ભાડા પર આપવામાં આવતી પ્રોપર્ટીનાં બીઝનેસમાં તેજી આવશે. આ નિયમનો મુખ્ય ઉદેશ તમામ વર્ગોને આવાસ ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે.

આ નવા કાયદાનો એક લાભ એ પણ છે કે હવે પછી પ્રોપર્ટીનાં ખરીદ વેચાણની પ્રક્રિયા કાયદાકીય રીતે થશે જેથી મકાન પર ભાડુઆતનો કબજો કરી લેવાની અથવા મકાન માલીકો દ્વારા ભાડૂઆતને પરેશાન કરવાની ઘટના બનશે નહિં. મોડેલ ટેનન્સી એક પ્રમાણે ભાડુઆત અને મકાન માલીક વચ્ચે વિવાદ થાય તો 60 દિવસમાં જ તેને સુલજાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.સાથે જ જો ભાડુઆતે પોતે ભાડે પર રાખેલી પ્રોપર્ટીને અન્ય વ્યકિતને ભાડે આપવી હશે તો એ પહેલા તેને મકાન માલીકની મંજુરી લેવી પડશે.

સાથે જ તે મંજુરી વિના પ્રોપર્ટીમાં નિર્માણ સંબંધીત ફેરફારો પણ નહિં કરી શકે. ભાડુઆત તેમજ મકાન માલીકો વચ્ચેના વિવાદની પરિસ્થિતિમાં પણ ભાડુઆતે ભાડાની રકમ આપવી પડશે અને તે સમય દરમ્યાન ભાડુઆત પ્રોપર્ટી ખાલી નહિં કરી શકે કોઈ મોટી ઘટનાની સ્થિતિમાં મકાન માલીકે ભાડુઆતને એક મહિના સુધી રહેવાની મંજુરી આપવી પડશે. જોકે ભાડા અંગેના આ નવા નિયમોને મુદ્દે કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું હતું કે 2011 થી વસ્તી ગણતરી મુજબ દેશમાં એક કરોડથી વધુ પ્રોપર્ટી ખાલી પડી હતી અને હવે 10 વર્ષ બાદ તો તેની સંખ્યા દોઢ કરોડથી વધુ હોય શકે છે. આ તમામ પ્રોપર્ટી ભાડે જશે તો ખુબ મોટી સમસ્યાનો ઉકેલ મળી જશે. અને લોકોની આવકમાં પણ વધારો થશે. આ નવા કાયદાનાં અમલ બાદ રીયલ એસ્ટેટમાં પણ તેજી બચાવશે તેવી આશા વર્તાઈ રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો